પ્રથમ વખત ચૂંટણી લડનાર રીવાબાએ કહ્યું, મારા પતિ સેલિબ્રિટી છે, હું તો સમાજસેવિકા છું
Gujarat Elections 2022 : ભાજપે યુવા ચહેરા રીવાબા જાડેજાને જામનગરની ઉત્તર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે તેમણે શુ કહ્યું જાણીએ
Gujarat Elections 2022 : ભાજપે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ આ વખતે આ યુવા ચહેરાની મદદથી જીતનો પરચમ લહેરાવશે. જેમાં સૌથી વધુ ચર્ચાતુ નામ રીવાબા જાડેજા છે. જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા સેલિબ્રિટી ચહેરો છે. તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. ત્યારે ઝી 24 કલાકના કાર્યક્રમ ‘નેતાજી બોલે છે’ માં અમે રીવાબા જાડેજાનો મત જાણવાનો પ્રયાસ કર્યો.
2018 માં પ્રધાનમંત્રીને પહેલીવાર મળ્યા હતા, જેના બાદથી સતત તેમના રાજકારણમાં આવવાની ચર્ચા ઉઠી હતી. જેના બાદ તેઓ કરણીસેનામાં જોડાયા હતા. રીવાબાએ જણાવ્યું કે, હું મારી પાર્ટીના તમામ નેતાઓનો આભાર માનું છું. પક્ષે મારા પર જવાબદારી આપી છે, લોકોના કામ કરવા માટે આવી છું. સમાજસેવાના ઉદ્દેશ સાથે હું રાજકારણમાં આવી છું. મારા પતિ અને પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે. મેં યુપીએસસીની પરીક્ષા તથા વાયુસેનાની પણ પરીક્ષા આપી હતી, પરંતુ નસીબ અને જીવન બદલાયું. મારો હેતુ સમાજસેવાનો હતો. આ સમય દરમિયાન પીએમ મોદી જેવા નેતા સાથે મળી, તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રેરાઈને મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું.
સતત ગામડાના પ્રવાસ કરતા રીવાબા કહે છે કે, મેં 200 થી વધુ ગામોમાં સતત પ્રવાસ કર્યો છે. લોકોની વચ્ચે રહી છું અને લોકોને મળી છું. હુ મહિલાઓને સશક્ત કરવા માંગુ છું. મહિલાઓ હંમેશા તમામ જવાબદારીઓ સંભાળે છે. ભવિષ્યમાં પણ આજ રીતે કામ કરીશું. મારા સાથી ઉમેદવારને મળીને આગળની રણનીતિ નક્કી કરીશું. લોકોના કામ જ પ્રાથમિકતા છે અને મહાનગરપાલિકા વિસ્તાર છે જ્યાં લોકોના પ્રશ્નો મને ખબર છે.
જીતશો તો કેવી રીતે કામ કરશો, તે વિશે રીવાબાએ કહ્યું કે, જામનગરનો નાનામાં નાનો પ્રશ્ન સોલ્વ કરીશું. જામનગરને સ્માર્ટ સિટી તરફ કેવી રીતે લઈ જઈશું તે વિશે કામ કરશું.
સેલિબ્રિટી ચહેરા કામ નથી કરતા અથવા મહિલા ઉમેદવાર જીતાય તો કામ પતિ કરે છે તો આ વિશે તમારુ શુ માનવું છે કે, આ વિશે હું ચોખવટ કરવા માગું છું કે મારા પતિ સેલિબ્રિટી છે, હુ તો સમાજસેવિકા છું. કેટલાક લોકોએ આવી માની લીધેલી બાબત છે, બાકી હું તો વર્ષોથી લોકોની વચ્ચે રહીને કામ કરું છું. હું પહેલેથી જ સમાજસેવા કરવા આવવા માંગતી હતી, પ્રધાનમંત્રી સાથે મળ્યા બાદ એ વધુ સ્પષ્ટ થઈ ગયું. તેઓએ મને લોકોની વચ્ચે કામ કરવા કહ્યું અને હું લોકો વચ્ચે આવી છું.