આ ચૂંટણી રામ મંદિર બનાવનારા અને તેને અટકાવનારાઓ વચ્ચેની છે : રૂપાણી
Gujarat Elections 2022 : મોરબીમાં કાંતિ અમૃતિયાની સભામાં વિજય રૂપાણીએ સંબોધન કર્યુ હતું, જેમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ
Gujarat Elections 2022 હિમાંશુ ભટ્ટ/મોરબી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડી નથી રહ્યાં, પરંતુ તેઓ ભાજપને જીતાવવા ઉમેદવારોનો પ્રચારપ્રસારમાં લાગી ગયા છે. મોરબીમાં માજી મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીની હાજરીમાં સભા યોજાઈ હતી. જેમાં વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, દુશમનને જરા પણ ઓછો આંકવાની જરૂર નથી. સાથે જ તેમણે ‘યુવાનો કો કામ, અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ’નું સૂત્ર પણ આપ્યુ હતું.
સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાનું ચુંટણી પ્રચાર મધ્યસ્થ કાર્યાલય આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ દવે પંચોલી ગ્રાઉન્ડ ખાતે કાર્યરત કરવામાં આવ્યુ હતું. ઉદ્ઘાટન માટે રાજ્યના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે અને કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા ન હોય તેથી હવામાં હવાતિયા મારે છે.
વિજય રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી જયંતીભાઈ કે કાંતિભાઈ નથી લડતા, આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી. પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાઓ વચ્ચેની છે. આ ચૂંટણી કાશ્મીરમાં 370 ની કલમ હટાવનારા અને કલમને ન હટાવવાની લાગણી વ્યક્ત કરનારાઓની વચ્ચે છે. આમ રાષ્ટ્રીય મુદ્દે પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથે લીધુ હતું અને મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણે ત્રણ બેઠકો ઉપર ભાજપના કમળ ખીલશે અને જંગી બહુમતી સાથે ત્રણેય ઉમેદવારો ચૂંટાશે તેવી લાગણીક વ્યક્ત કરી હતી. તેમજ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર આવશે અને તે પણ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો છો પાર્ટીએ સાત વખત મને ટિકિટ આપી છે હવે મને સિનિયર ગણવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટના બાદ લોકોમાં મસીહા બનીને ઉભરેલા કાંતિભાઈ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી છે.