Gujarat Exit Poll 2022: ગુજરાતમાં ભૂપેન્દ્ર તોડી શકે છે નરેન્દ્રનો રેકોર્ડ, ચારે તરફ ભાજપનો જલવો
Gujarat Exit Poll 2022: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે તે પ્રમાણે રાજ્યમાં ફરી ભાજપની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ નવો રેકોર્ડ પણ બનાવી શકે છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વાત ઘણીવાર કરી હતી, જે સાચી સાબિત થતી જોવા મળી રહી છે. હકીકતમાં પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે રેલીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણીવાર મંચો પરથી કહ્યું હતું કે નરેન્દ્ર (ખુદ પીએમ મોદી) નો રેકોર્ડ ભૂપેન્દ્ર (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) તોડશે. પીએમ મોદીએ આ વાત અનેક રેલીઓમાં કહી હતી. હવે સામે આવેલા વિવિધ ચેનલોના એક્ઝિટ પોલ પણ આ પ્રકારનો ઈશારો કરી રહ્યાં છે. તમામ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની રહી છે. પાર્ટી આ વખતે પાછલા તમામ રેકોર્ડ તોડી શકે છે. ભાજપને ગુજરાતમાં 150 જેટલી સીટો મળી શકે છે. જો તેમ થાય તો ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ સીટો જીતનારી પાર્ટી ભાજપ બની જશે.
ક્યા એક્ઝિટ પોલમાં ભાજપને કેટલી સીટો?
તમામ એક્ઝિટ પોલમાં ભાજપની મોટી જીતનો દાવો કરવામાં આવ્યો છે. ન્યૂઝ-એક્સ-જન કી બાત એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપના ખાતામાં 117-140 સીટો આવી શકે છે. કોંગ્રેસના ખાતામાં 34-51 સીટો જઈ શકે છે. રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપના ખાતામાં 128 સીટો જવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 30-42 સીટો આપી છે. તો ટીવી 9ના એક્ઝિટ પોલમાં ભાજપને 125-130 સીટો આપવામાં આવી છે. કોંગ્રેસને 40-50 સીટો મળી શકે છે. ઈન્ડિયા ટુડે, એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલનું અનુમાન છે કે ભાજપ ગુજરાતમાં 150નો આંકડો પણ પાર કરી શકે છે. પોલમાં ભાજપને 129-151 સીટો આપવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતમાં 16-30 સીટો જીતી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Exit Poll 2022: દરેક એક્ઝિટ પોલનો એક જ સાર, ગુજરાતમાં બનશે ભાજપની સરકાર
પીએમ મોદીનો રેકોર્ડ તોડી શકે છે ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં જરૂર ટક્કર આપી હતી, પરંતુ બહુમત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી હતી. વર્ષ 2022માં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં સૌથી વધુ 127 સીટો જીતી હતી. આ ભાજપનું ગુજરાતમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જો એક્ઝિટ પોલ સાચા પડે તો ભાજપ પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે. એટલું જ નહીં અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ સીટો જીતવાનો રેકોર્ડ કોંગ્રેસની પાસે છે. કોંગ્રેસે ત્યારે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985ની ચૂંટણીમાં રેકોર્ડ 149 સીટો જીતી હતી. ઈન્ડિયા ટુડે એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે ભાજપને ગુજરાતમાં 151 સીટો મળી શકે છો. જો તે થાય તો ગુજરાતમાં ભાજપ તમામ રેકોર્ડ તોડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube