ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં બહુમતિથી નવી સરકાર રચાયા બાદ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારને હવે ડર લાગવા લાગ્યો છે. મંત્રીઓની મુલાકાત સમયે વીઝિટર તો છોડો તમામ અધિકારીઓએ મોબાઈલ બહાર મૂકીને જવું પડશે. સરકારને એ બાબતની ચિંતા છે કે મંત્રીઓ સાથેની મુલાકાતના વીડિયો કે ઓડિયો વાયરલ થઈ શકે છે. કારણ કે મંત્રીઓ પાસે અનેક લોકો અનેક રજૂઆતો માટે લઈને આવતા હોય છે. આ સિવાય અધિકારીઓ સાથેની મીટિંગમાં ગુપ્ત બાબતોની ચર્ચાઓ થતી હોય છે એ અગત્યની બાબતો લીક થાય તો સરકાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે એટલે ભૂપેન્દ્ર પટેલ સરકારે પામી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.  મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે તેવી પણ ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓ પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે. તેઓ પણ મીટિંગમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે, મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. હવે આ નિયમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવાયો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે. મુલાકાતીઓએ પણ મંત્રીને મળવા માટે મોબાઈલ બહાર રાખવામાં આવેલી ટ્રેમાં મૂકીને જવું પડશે.


નવા નિયમો આવી ગયા:


- પ્રથમ સોમવાર અને મંગળવાર મંત્રીઓને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને મંત્રીઓને મળી નહીં શકે
- કેબિનેટમાં ભાગ લેનાર અધિકારી મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે.
- મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે


હાલમાં કોરોનાનો માહોલ છે. નવી સરકાર બની છે અને નવા નિયમો પણ આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના તોળાતા ખતરા વચ્ચે મંત્રીઓ ખુદ સાવચેતી રાખવા લાગ્યા છે. હવે સચિવાલયમાં મોટાભાગની જગ્યાએ માસ્કનો ઉપયોગ થવા લાગ્યો છે. મંત્રીઓ તો માસ્ક પહેરવા લાગ્યા છે પરંતુ મુલાકાતી પણ સાવચેતી રાખે તેવો પ્રયાસ સરકારના મંત્રીઓ કરવા લાગ્યા છે. દરેક મંત્રી હવે આગ્રહ રાખી રહ્યા છે કે કોઈ પણ મુલાકાતી આવે તો તેઓ માસ્ક અચૂક પહેરે. હવે મંત્રીઓની ચેમ્બરો બહાર સૂચનાઓ લાગવા લાગી છે. મંત્રીઓને ફફડાટ છે કે અનેક મુલાકાતીઓમાં કોઈ કોરોના પોઝિટવ હોય તો એમને પણ ચેપ લાગી શકે છે.