ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેવા ખેડૂતોને મળશે આ સહાય
- અતિવૃષ્ટિથી નુકસાની પામેલ ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કરવામાં આવશે
- 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે એક મહિનામાં ગુજરાતની જનતાના હિત માટે અનેક સુખકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આજે યોજાયેલા કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં 546 કરોડનું પેકેજ જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપતા કહ્યું કે, હજી પણ નુકસાની સર્વેની કામગીરી ચાલુ છે, જો કોઈ રહી જતું હશે તો તેને પણ સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને ભરૂચમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ સંપૂર્ણ વિસ્તાર નથી, પણ કેટલાક ગામોમાં હાલ સરવેની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : ‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે તેમણે માહિતી આપી કે, વાદળ ફાટવાથી ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં મુખ્યમંત્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને ચિંતા કરી હતી. તો સાથે જ દિવાળી પહેલા વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું કામ પૂરું કરવામાં આવશે. ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાનો નિર્ણય પણ કર્યો છે. 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ સરકારે ઉભું કર્યું છે. જે બેંકોએ વ્યાજની રકમ કાપી હશે તે ખેડૂતોને તરત મળી જશે.
એસટીના પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર આ મામલે ચિંતિત છે, મુખ્યમંત્રી પણ ચિંતિત છે. કર્મચારીઓ સાથે ચર્ચાના આધારે સમાધાન થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.