Gujarat Government Job: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. પંચાયત સેવા GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. જેથી હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની પરીક્ષા સ્નાતક કક્ષાએ લેવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તેવુ મંડળ દ્વારા જણાવાયું છે. 


શું કરાયા ફેરફાર?
નોટિફિકેશન મુજબ તલાટીની પરીક્ષા આપવા માટે હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ (સ્નાતક) ફરજિયાત બનાવાઈ છે. આ સાથે ઉમેદવારની વયમર્યાદા પણ વધારવામાં આવી છે. જે પહેલા 33 વર્ષ સુધીના ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકતા હતા પરંતુ નોટિફિકેશન મુજબ ઉંમર મર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. 


અત્રે જણાવવાનું કે વર્ષ 2023માં લેવાયેલી તલાટીની પરીક્ષા માટે સૌથી વધુ 17 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. આટલા બધા ઉમેદવારોની પરીક્ષા એક સાથે લેવી મુશ્કેલ હોવાથી પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે સંમતિ પત્રની નવી પદ્ધતિ અપનાવી હતી અને ત્યારબાદ 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે સંમતિ આપી હતી. 


હવે અહીં પ્રશ્ન એ થાય કે ધોરણ 12 પાસ માટે તલાટીની પરીક્ષા માટેના દરવાજા તો બંધ થઈ ગયા તો હવે ગુજરાત સરકારમાં એવી તે કઈ નોકરી છે જેના માટે તેઓ પ્રયત્નો કરી શકે? તો તમને જણાવી દઈએ કે તમારે હતાશ થવાની જરૂર નથી. ધોરણ 12 પાસ માટે હજુ પણ ગુજરાત સરકારમાં નોકરી માટેના દરવાજા ખુલ્લા છે. ધોરણ 12 પાસ વ્યક્તિને ગુજરાત સરકારમાં કઈ નોકરી માટે તક રહેલી છે તે પણ ખાસ જાણો...


ધોરણ 12 પાસ માટે છે આ નોકરી માટે ઉજળી તકો
-ધોરણ 12 પાસ ઉમેદવારને હજુ પણ ગુજરાત રાજ્ય સરકારમાં ફોરેસ્ટર, એલઆરડી, બીટ ગાર્ડ જેવી જગ્યાઓ માટે તક રહેલી છે. 
- આ ઉપરાંત રાજ્યના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં તક છે. ડ્રાઈવરની જગ્યા માટે ધોરણ 12 પાસ ઉમેદવારો પરીક્ષા આપી શકે છે. વિભાગમાં આગળના તબક્કાની પરીક્ષા માટે પછી ગ્રેજ્યુએટ કે અન્ય ઉચ્ચ ડિગ્રી  ધ્યાનમાં લેવાતી હોય છે. 
- સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ કાર્યાલયો માટેની કેટલીક જગ્યાઓ માટે પણ ધોરણ 12 પાસ ઉમેદવારો પાસે અરજી કરવાની તક છે. સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાની એક ખુબી એ પણ છે કે આ પરીક્ષા હવે ગુજરાતીમાં પણ લેવાય છે તો તમે તેની પણ તૈયારી કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે આ માટે રાજ્યમાં પરીક્ષા આપનાર ઓછા છે જ્યારે તેમાં તક જોઈએ તો વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube