નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ
- સરકારની સ્પષ્ટ સૂચના બાદ હવે ગુજરાતમાં શેરી ગરબાનું આયોજન નહિ કરી શકાય તે ક્લિયર થઈ ગયું.
- 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી
અતુલ તિવારી/અમદાવાદ :હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો કેવી રીતે ઉજવવા તે અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જોકે, આ ગાઈડલાઈનમાં શેરી ગરબા (navratri) યોજવા કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી ન હતી. ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યાંના થોડી વાર બાદ તરત સરકારે શેરી ગરબા (sheri garba) અંગે પણ સ્પષ્ટતા કરી છે. જે મુજબ, સરકારે શેરી ગરબાને પણ પરમિશન આપી નથી.
શેરી ગરબા નહિ યોજી શકાય
નવરાત્રિ ગરબા આયોજન અંગે સરકાર દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવી કે, રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહિ. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ 200 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની એસઓપીના પાલન સાથે કરી શકાશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહિ. માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય.
આ પણ વાંચો : નવરાત્રિથી દિવાળી.. લગ્નથી મરણ સુધીના પ્રસંગો કેવી રીતે ઉજવવા તેની સરકારે આપી ગાઈડલાઈન
સરકારની સ્પષ્ટ સૂચના બાદ હવે ગુજરાતમાં શેરી ગરબાનું આયોજન નહિ કરી શકાય તે ક્લિયર થઈ ગયું. મોટા ગરબા નહિ થાય તે જાહેરાત કરાઈ હતી, પરંતુ શેરી ગરબા માટે લોકોને અપેક્ષા હતી. પરંતુ હવે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હવે શેરી ગરબા પણ નહિ કરી શકાય.
મેડિકલ એસોસિયેશન સ્પષ્ટ ના પાડી હતી
શેરી ગરબાના આયોજનને લઈને ખેલૈયાઓને આશા હતી કે રાજ્ય સરકાર મંજૂરી આપશે, પરંતુ 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. આવામાં ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી છે, પરંતુ અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે અને કોરોનાના જો કેસો વધશે તો દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી સર્જાશે એ નક્કી છે.
આ પણ વાંચો : જાપાનથી આવ્યા કોરોનાને લઈને ચોંકાવનારા સમાચાર
કલાકારોને ફરી નિરાશા મળી
બીજી તરફ કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદથી હજુ સુધી સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારો માટે આ કપરો કાળ યથાવત રહેશે. રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજન પર અગાઉ જ મનાઈ ફરમાવી હતી. પરંતુ કલાકરોને અપેક્ષા હતી કે, રાજ્ય સરકાર જો શેરી ગરબાને મંજૂરી આપશે તો નાના નાના કલાકારોને જીવનદાન મળી રહેશે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જતા, સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકરોમાં નિરાશા પણ વ્યાપી છે. જો કે વધતા જતા કોરોના સંક્રમણને જોતા ગરબાના મોટા આયોજકોએ પણ આ વર્ષે ગરબા માટે કાર્યક્રમ ના યોજવા અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી.