પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો

પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો
  • બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા.
  • ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.
  • કોરોના કાળમાં યોજાતી ચુટણીઓમાં પ્રચારની બાબતમાં ફેરફાર કરવામાં આવ્યો

બ્રિજેશ દોશી/ગાંધીનગર :વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ આજથી થઇ રહ્યો છે. ઉમેદવાર રૂબરૂ જઇને અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ત્યારે ઉમેદવારો 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. જોકે, બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા. 8 માંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો લગભગ નક્કી છે, માત્ર ઔપચારિક જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે. 

8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે ભરાશે ઉમેદવારી પત્રો
આજથી ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થશે. ત્યારે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, ભાજપના તમામ ઉમેદવારો રૂબરૂમાં ફોર્મ ભરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તૈયાર કરાયેલા વેબ પોર્ટલનો ઉપયોગ નહિવત રહેશે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાજ્ય સરકારના મંત્રી તથા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે. 

આ પણ વાંચો : અમદાવાદને ચકચકિત બનાવવાનું શરૂ, 5311 જૂની ઈમારતોને રિડેવલપ કરાશે 

આચારસંહિતા પર નજર રાખશે ચૂંટણી પંચ 
તો બીજી તરફ, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી પંચે 8 બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. કોરોનાને કારણે આ વખતે 565 જેટલા વધું બૂથ રાખવામાં આવશે. 8 બેઠકો માટે કુલ 3024 બૂથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કૉડ 8 બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે. 

સ્ટાર પ્રચારકોને યાદી ઘટાડાઈ
કોરોના કાળમાં યોજાતી ચુટણીઓમાં પ્રચારની બાબતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર પ્રચારકોની યાદી ટુંકવાઇ છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્યના રાજકીય પક્ષોની સ્ટાર પ્રચારકોની સંખ્યા 40 થી ઘટાડી 30 કરાઈ છે. બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની સ્ટાર પ્રચારકોની સંખ્યા 20ને બદલે 15 કરાઈ છે. ચૂંટણીના જાહેર નામાની તારીખથી 10 દિવસમાં આ યાદી મોકલવાની રહેશે. પ્રચાર શરૂ કરવાના 48 કલાક પહેલાં સંબિધિત અધિકારીની લેવાની મંજૂરી લેવાની રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news