એશિયન ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરીતા ગાયકવાડને રાજ્ય સરકાર આપશે 1 કરોડનું ઈનામ
ગુજરાત સરકાર તરફથી સરિતા ગાયકવાડને એક કરોડના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
સ્નેહલ પટેલ, ડાંગ: એશિયન ગેમ્સમાં ભારતને ૧૩મો ગોલ્ડ મેડલ અપાવનારી સરિતા ગાયકવાડના ઘરે ઉત્સવનો માહોલ, ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને માતાને સાડી આપી સન્માન કર્યું. સરિતાના માતા અને પરિવારજનોએ ગામ લોકો સાથે મળીને ડાંગી ડાંસ પણ કર્યો. આ ખુશીમાં રાજ્ય સરકારે પણ ચાર ચાંદ લગાવ્યાં. રાજ્ય સરકારે સરિતાને એક કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સરિતા ગાયકવાડે 400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેળવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતને આ 13મો ગોલ્ડ મળ્યો છે. સરિતાએ ગોલ્ડ અપાવતાં જ તેનાં નસીબ ખૂલી ગયા છે.
ડાંગ જિલ્લાના અંતરિયાળ કરડીઆંબા ગામ જ્યાં સુવિધાનો અભાવ છે ત્યાની દીકરીએ વિદેશમાં જઈને ભારતને સન્માન અપાવ્યું છે, દેશનું અને સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે, આ ગરીબ પરિવારમાં ઉછરેલી સરિતાને નાનપણથી જ ખેલ ક્ષેત્રે રુચિ હતી. પરિવાર તરફથી પણ મોરલ સપોર્ટ ખુબ મળતો હતો. જોકે આર્થિક તંગીના કારણે ખેલાડી તરીકેની કારકિર્દી બનાવવી એક સ્વપ્ન લાગતું અને તેનું આ સ્વપ્ન ગુજરાત સરકારના ખેલ મહાકુંભ દ્વારા સાકાર બન્યું છે, જેનો તેના પરિવારજનો અને ડાંગના આગેવાનોને ગર્વ છે.
સરિતાની આ સિદ્ધિને બિરદાવવા તેના માતા પિતાને શુભેચ્છા આપવા તેના ઘરે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી પરંપરા મુજબ ડાંગી નૃત્ય કરી લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો ધારસભ્ય એ સરિતાની માતાને સાડી જ્યારે તેના પિતાને શાલ ઓઢાડી ફૂલ હાર કરી શુભેછા સાથે અભિનંદન પાઠવ્યા હતા. રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થકી રાજ્યના અંતરિયાળ વિસ્તાર હોયકે પછી ખૂણે ખૂણે રમતવીરો માં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે શ્રેષ્ઠતમ સાબિત થઇ રહ્યો છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૧ કરોડ ના પુરસ્કારની જાહેરત કરી છે.
કોંગ્રેસના અમિત ચાવડા એ 1 લાખ 11 હજાર ની જાહેર કરી છે. સ્થાનિક ધારસભ્ય મંગલ ગાવિતે પોતાનો એક માસનો પગાર આપવાની જાહેરત કરી ચેક અર્પણ કર્યો છે. રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી કુમારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે.