રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ
રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં મેઘરાજા વરસી રહ્યાં છે. અમુક જિલ્લામાં તો ભારે વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 79.44 ટકા વરસાદ થયો છે. ગુજરાતના કુલ 33 જિલ્લાના 251 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. રાજ્યના 44 તાલુકામાં તો 1000 મીમી કરતા પણ વધુ વરસાદ થયો છે. તો 9 તાલુકા એવા છે જ્યાં 250 મીમીથી ઓછો વરસાદ થયો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
આ વખતે ગુજરાતમાં ચોમાસુ સારૂ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી તમામ જિલ્લામાં વરસાદ થઈ ચુક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો છે. અહીંના ચારેય તાલુકામાં સરેરાશ 1540 મીમી વરસાદ થયો છે. જિલ્લામાં સીઝનનો કુલ 240 ટકાથી વધુ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં થયો છે. અહીં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. તો કચ્છના મુદ્રામાં પણ પાંચ ઈંચ, તાપીના વાલોદમાં પાંચ ઈંચ, આણંદના તારાપુરમાં પાંચ ઈંચ, ભરૂચના નેત્રંગ અને વાલિયામાં પાંચ ઈંચ વરસાદ થયો છે. આણંદના ખંભાતમાં ચાર ઈંચ અને અરવલ્લીના ભિલોડામાં ચાર ઈંજ જેટલો વરસાદ થયો છે.
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી, મજૂર વર્ગ બન્યો બેકાર
છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 15-17 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના 60 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 309.27 મીમી વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 660.17 મીમી વરસાદ થયો છે.
તાપીના ડોલવાનમાં બે ઈંચથી વધુ વરસાદ
જો આજના વરસાદની વાત કરવામાં આવે તો સવારે 6 કલાકથી 8 કલાક સુધીમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ થયો છે. તાપીના ડોલવાનમાં સૌથી વધુ 62 મીમી, ડાંગના વધાઈમાં બે ઈંચ, નવસારીના વાસંદામાં બે ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં દોઢ ઈંચ, સુરતના કામરેજમાં દોઢ ઈંચ અને તાપીના વાલોદમાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. સવારે બે કલાકમાં રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર