ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વર્ગ 1 અને 2માં કુલ 224 ઉમેદવારો પાસ થયા છે. જેમની સરકારને વિવિધ જગ્યાઓ પર નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. GPSC દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત વહીવટી અને સનદી સેવા, ક્લાસ 1 અને 2 ની પાંચ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ 15, નાયબ પોલીસ અધીક્ષકની (Dy.S.P.) કુલ 20, જિલ્લા રજીસ્ટ્રારની કુલ 03, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 42, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01; એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 81 જગ્યાઓ તથા સેક્શન અધિકારી (સચિવાલય) ની કુલ 09, સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ 01, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ 07, રાજ્ય વેરા અધિકારીની કુલ 74, સરકારી શ્રમ અધિકારીની કુલ 25, જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર ની કુલ 25 અને સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) ની કુલ 02 એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 143 જગ્યાઓ એમ કુલ 224 જગ્યાઓ માટે તારીખ: 10/11/2020ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જે માટે રાજ્યભરમાંથી 2,15,735 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 


આ ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ 21/03/2021 ના રોજ રાજ્યના 32 જિલ્લામાં યોજવામાં આવી હતી. જેનું પરિણામ તા.29/05/2021ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે 15 ગણા અને સમાન ગુણને અનુસાર કુલ 6680 ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે જાહેર કરવામાં આવ્યા હતા.


આ ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ 20/07/2021, તા.22/07/2021 અને તા.24/07/2021 ના રોજ ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી હતી. જેનું પરિણામ તા.18/11/2021 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળેવેલ ગુણના આધારે કુલ 966 ઉમેદવારો રૂબરૂ મુલાકાતને પાત્ર થયેલ હતા. આ ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન તારીખ 25/11/2021 થી તારીખ 16/12/2021 દરમ્યાન કરવામાં આવી હતી. 


ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે તેમજ અન્ય તમામ ઉમેદવારોને આગામી તા.26/12/2021 ના રોજ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 ની જગ્યાઓ માટે યોજાનાર પ્રિલિમિનરી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube