રાજ્યમાં હજુ કોરોનાનો કહેર યથાવત છે. તેને વકરતો અટકાવવા માટે સામાજિક અંતરની સાથે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. ત્યારે હવે ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારની ખેર નહીં. હવે રાજ્યમાં માસ્ક પહેરવાના નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે. નહીં તો કાયદાકીય કાર્યવાહી થશે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો માસ્ક ન પહેરતા હોવાથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામાં મુજબ હવેથી હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરી પોલીસ માસ્ક ન પહેરનાર લોકોને દંડ ફટકારી શકશે. જાહેર સ્થળો, કામકાજના સ્થળે અને વાહન વ્યવહાર દરમિયાન પણ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. 


એટલું જ નહીં કોઇ પણ પ્રકારના કપડાથી ચહેરો ઢાંકવો પડશે. જો લોકોનો ચહેરો ખુલ્લો હશે તો 200 રૂપિયાનો દંડ વસૂલ કરાશે. સાથે સાથે જાહેરમાં થૂંકનાર પાસે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


અમદાવાદમાં માસ્ક નહી પહેરનાર વાહનચાલકોને મળશે ઈ-મેમો
 

અમદાવાદમાં શહેરના રોડ પર લાગેલા 3 હજાર કેમેરાથી નિરીક્ષણ કરાશે. હવે ટ્રાફિક બાદ માસ્ક મામલે પણ ઈ-મેમો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નિયમભંગ કરનાર 250થી વધુ વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. વાહનચાલકોને ઈ-મેમો મારફતે રૂ.200નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર રોડ પર થૂંકનાર શખ્સો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.