કેમ વિકાસથી વંચિત છે ગોતાનો વંદેમાતરમ વિસ્તાર? કયા નેતાને આવે છે પેટમાં ચૂંક?
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર છે ગોતા. ગોતા વિસ્તારમાં મકાનોના ભાવ તો આકાશને આંબી રહ્યાં છે. પણ જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે અહીં રોડ રસ્તાની સુવિધા, રેલવે ઓવરબ્રિજનો ડખ્ખો, વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, ટ્રાફિક જેવા અનેક પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં જગતપુરનો રેલવે ઓવર બ્રિજ બની ગયો પણ ગોતા વંદેમાતરમમાં રેલવે અંડર બ્રિજમાં ભાજપના કયા નેતાને પેટમાં ચૂંક આવે છે અને એએમસીના અધિકારીઓને રેલો આવી જાય છે. છેલ્લા 4 વર્ષથી બનતો રેલવેનો અંડર બ્રિજ ફોરલેનમાંથી ટુ લેન થઈ ગયો પણ અહીં ભાજપ સરકારની ગેરંટી ખોટી ઠરી રહી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના મતવિસ્તારમાં હાલત ખરાબઃ
વિધાનસભા મતવિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદનો ગોતા વિસ્તાર ઘાટલોડિયા મતવિસ્તારમાં ગણાય છે. આ મત વિસ્તાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો છે. જ્યારે લોકસભા મતવિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદનો ગોતા વિસ્તાર ગાંધીનગર લોકસભામાં આવે છે. એ રીતે આ મતવિસ્તાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો છે. અહીં રેલવેનો ઓવરબ્રિજ 4 વર્ષથી બની રહ્યો છે પણ તંત્રને આ કામગીરી પૂરી કરવામાં રસ નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં પણ આ ઓવરબ્રિજને પૂરાં કરવાના સપનાં દેખાડાયા પણ ચૂંટણી પૂરી થતાં જૈસે થે જેવી સ્થિતિ થઈ ગઈ છે. તંત્ર રેલવેના નામે ગોતાને ખો આપી રહી છે. ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપ સરકાર આ મામલો સીએમના મત વિસ્તારનો છે. જે 4 વર્ષથી લટકી ગયો છે. ફોરલેન અંડર બ્રિજ ટુ લેન બની ગયો છે. ગોતા ભાજપના એક નેતાને આ ઓવરબ્રિજથી પેટમાં ચૂંક આવતી હોવાથી આ કામગીરી પૂરી થતી ન હોવાની ચર્ચા છે. ભાજપનું તંત્ર આ નેતાને ઘૂંટણીયે પડ્યું હોવાથી ગોતાનો વિકાસ અટકી ગયો છે. એએમસી આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે.
- અંડર બ્રિજ ટુ લેન બનાવીને છેલ્લા 2 વર્ષથી નથી થતી બાકીની કામગીરી
- ભાજપના કયા નેતાને આ અંડરબ્રિજથી પેટમાં આવે છે ચૂંક
- સીએમનો મત વિસ્તાર પણ ભૂપેન્દ્રભાઈ કેમ કરી રહ્યાં છે આંખ આડા કાન
- શું ભાજપને મત આપવાનું ફળ ભોગવી રહ્યાં છે ગોતાના વંદેમાતરમના રહીશો
- ટેન્ડર મેળવનાર કંપની કામગીરી ન કરતી હોય તો કેમ નથી થતી કાર્યવાહી
- ફોરલેન અંડરબ્રિજ કોના ઈશારે બની ગયો ટુ લેન
- ભાજપના નેતાઓ અને એએમસીના અધિકારીઓએ કેમ બની ગયા છે મૌની બાબા
- શું એએમસીના બેદરકાર અધિકારીઓ સામે ન થવી જોઈએ કાર્યવાહી?
- વિકાસશીલ સરકારને ગોતાના વિકાસમાં કેમ નથી રસ કે કોઈનું છીનવાય છે રજવાડું
- 100 ફૂટના રોડ પર ફોરલેન અંડરબ્રિજ કેમ બની ગયો ટુ લેન
- 4 વર્ષથી કેમ હજારો વાહનચાલકોને કરાઈ રહ્યાં છે હેરાન
વિકાસના નામે મીંડું અને આસમાને પહોંચ્યા છે મકાનોના ભાવઃ
બીજી તરફ ગોતા વિસ્તારમાં મકાનોના ભાવ તો આકાશને આંબી રહ્યાં છે. પણ જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે અહીં રોડ રસ્તાની સુવિધા, રેલવે ઓવરબ્રિજનો ડખ્ખો, વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, ટ્રાફિક જેવા અનેક પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર છે. ત્યારે સ્થાનિકોના લોકોના મુખે આ પરિસ્થિતિને જોઈને એક જ અવાજ નીકળે છે કે, અમે તો તમને મત આપીને જીતાડ્યા છે,,,,સાહેબ અમારી સાથે અન્યાય કેમ,,,,? સાહેબ ગોતા વિસ્તાર સાથે અન્યાય કેમ?
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં પારાવાર સમસ્યાઓઃ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં રોજના હજારો વાહનચાલકો હેરાન થાય છે પણ તંત્ર કોને છાવરી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. એક વર્ષ પહેલાં ટેન્ડરીંગ થયું, લોકસભાની ચૂંટણી પહેલાં લોકાર્પણ પણ થયું પણ સ્થિતિ જૈસે થે છે. ગોતાનો આ અંડરબ્રિજ કોને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે.
ભાજપના કયા નેતાના પેટમાં ચૂંકે છે ગોતાનો વિકાસ?
ટેન્ડર મેળવનાર કંપનીને સરકાર ક્યાં સુધી સાચવશે. 6 મહિનાના કામને 4 વર્ષ થયાં છે. ગોતા અમદાવાદની જેમ પૂર્વ અને પશ્વિમમાં વહેંચાઈ ગયું છે. સીએમ ભૂપેન્દ્ર ભાઈ બેશક ગુજરાતભરમાં સરસ કામગીરી કરી રહ્યાં છે પણ અહીં સાહેબ પણ બેખબર છે કે આંખ આડા કાન કરી રહ્યાં છે. એક બાજુ રોડ બની ગયો છે બીજી બાજુ 4 વર્ષથી રસ્તો ખોદાયેલો પડ્યો છે.
શું સીએમને પણ સરકારી તંત્ર ગલ્લાતલ્લાં કરાવી રહ્યું છે. ગોતામાં પૂર્વ અને પશ્વિમમાં અવર જવર કરતા રોજના હજારો વાહનો એક જ રેલવે ફાટકે અટવાઈને બનીને તૈયાર પડેલા ટુ લેન અંડરબ્રિજને જોઈ નિસાસા નાખે છે પણ વિકાસશીલ સરકારને આ વિકાસમાં રસ નથી.