ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી હાલના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોરી અને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટની રચના કરવામાં આવેલ છે. જે ટ્રસ્ટની રચના માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા હાલ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ જે બે ભાગમાં વહેંચાયેલ છે. તેને એકત્રિત કરી પ્લાન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હોલ સુભાષબ્રીજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટર જતો આવતો માર્ગ કાયમી ધોરણે વાહન વ્યવહારની અવર જવાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં સુભાષબ્રીજ સર્કલથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ ઉપર આવેલ બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા તરફનો જતો-આવતો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.


જેની સામે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુભાષબ્રીજ વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધી રાણીપ બસ સ્ટેન્ડ ટી થી ડાબી બાજુ વળી નવા બનેલ માર્ગ પર થઈ કાર્ગો મોટર્સ થઈ સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) તથા વાડજ તરફ અવર-જવર કરી શકાશે. આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધરાવલ સર્કલથી ડાબી બાજુ વળી પલક ત્રણ રસ્તા ટી થી ડાબી બાજુ વળી વાડજ સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. આજે મધ્યરાત્રી એટલેકે, 9 નવેમ્બરથી આ પરિપત્રનો અમલ થશે.


મહત્ત્વનું છેકે, મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિક રહેવાસીઓ તથા આશ્રમની મુલાકાતે આવતા મુલાકાતીઓ સુભાષબ્રીજથી આશ્રમ તરફ અવર-જવર કરી શકશે. જેમને આ નિયમથી બાદ રાખીને અપવાદરૂપ ગણાવામાં આવ્યાં છે. ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી દ્વારા અમદાવાદ શહેર માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.