Dummy Candidate Scam/ભાવનગરઃ ગુજરાતમાં એક બાદ એક સરકારી ભરતીની પરીક્ષાઓ વિવાદમાં આવતી જાય છે. અત્યાર સુધી લેવાયેલી ઘણી બધી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓમાં પેપર ફોડનાર અથવા ગેરરીતિ આચરીને પેપર ખરીદીને પરીક્ષા આપનાર અંગે સરકારનું ધ્યાન દોરના યુવા નેતા યુવરાજસિંહની મુશ્કેલીઓમાં વધારે થયો છે. યુવરાજસિંહને ભાવનગર ડમીકાંડમાં પોલીસનું તેડું આવ્યું છે. સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે. તેથી આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહેવું પડશે. સમગ્ર મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે. જો યુવરાજસિંહ સમન્સનો જવાબ આપવા નિશ્ચિત સમય અવધીમાં હાજર ન થાય તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમીકાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.


ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી છે. 


ડમી ઉમેદવાર કાંડમાં મિલન ઘુઘાની પણ અટકાયત કરવામાં આવી છે.  મિલને સરકારી ભરતીમાં 7 વાર પરીક્ષા આપી હતી. ધોરણ 12માં ફિઝિક્સનું પેપર તેણે ડમી ઉમેદવાર તરીકે આપ્યું હતું. મિલને દેવર્ષિ નામના વિદ્યાર્થી વતી 12માં ફિઝિક્સનું પેપર ડમી ઉમેદવાર તરીકે આપી હતી, દેવર્ષિ અત્યારે ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. તેની પૂછપરછ દરમ્યાન અન્ય લોકોના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 


સૌથી પહેલાં પકડાયેલા ચાર આરોપીઓ શરદ પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ડમી કાંડમાં મોટી ભૂમિકા છે. આ ટોળકી ડમી ઉમેદવાર તરીકે બેસાડવાની શરૂઆત ધોરણ 12ની પરીક્ષાથી કરતી હતી. શરદ અને પીકે રમણીક જાની પાસેથી ડમી ઉમેદવારો મેળવતા હતા. શરદ અને પીકે ડમી ઉમેદવાર માટે અસલી ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેતા હતા. જેમાંથી ડમી ઉમેદવારને પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા ચૂકવતા હતા. આરોપી બળદેવ ઉમેદવાર માટે નકલી કોલ લેટર અને ડોક્યુમેન્ટ ઉભા કરવાના 10 હજાર રૂપિયા લેતો હતો. તો આ તરફ ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ SITની રચનાના નિર્ણય અને કામગીરીને વખાણી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે હજુ તેમની પાસે ડમી કાંડને લગતી સ્ફોટક માહિતી છે. જેને તેઓ SITને આપવા તૈયાર છે. 


SITએ શરૂ કરી તપાસ-
ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 


અત્યાર સુધી છ આરોપી ઝડપાયા-
ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે, જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.