મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં શું આ રીતે ભણશે ગુજરાત?
એકબાજુ સરકાર ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ ક્લાસથી સજ્જ શાળાની વાત કરી રહી છે... તો બીજીબાજુ ઉમરેઠની તાલુકા શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે... અહીંયા ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં માસૂમ ભૂલકાઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરે છે... હાલમાં તાલુકા શાળાની સ્થિતિ એવી છે કે સ્લેબના પોપડાઓ ખરી રહ્યા છે... સ્લેબના સળીયાઓ બહાર નીકળી ગયા છે...
ઝી બ્યૂરો, અમદાવાદઃ શાળાઓ.... જ્યાંથી ભણી ગણીને બાળકો આગળ વધે છે અને પોતાની કારકિર્દી બનાવે છે.... પરંતુ ગુજરાતની કેટલીક એવી શાળાઓ પણ છે જેમાં અભ્યાસ માટે જતા બાળકો ડર અનુભવે છે, કારણ છે શાળાઓની જર્જરિત હાલત.... આવી જ કેટલીક શાળાઓની આજે વાત કરવી છે... અને તંત્રને સવાલ પૂછવો છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ઝી24કલાકની ટીમે ગુજરાતની જર્જરિત શાળાઓની સ્થિતિનો ચિતાર રજૂ કરીને જવાબદાર તંત્રના બેહરા કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જેના માટે અમારી ટીમે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભયના ઓથાર હેઠળ ચાલતા ભણતરની સ્થિતિને ઉજાગર કરી છે.
વિકાસના ભણગા ભૂંકતી સરકાર માટે આ અહેવાલ અનેક સવાલો ખડા કરે છે. બીજા જિલ્લાઓમાં તો સ્થિતિ ખરાબ છે જ, પણ કહેવાતા મેગાસિટી અમદાવાદમાં પણ શાળાઓની હાલત બદથીબદતર જોવા મળી.અમારી ટીમે જ્યારે આ અંગે સરકારી શાળાઓની મુલાકાત લીધી ત્યારે અમદાવાદમાં સરકારી શાળાઓની પોલી ખૂલી રહી છે... શાળાઓને અદ્યતન બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવે છે... પરંતુ આ સ્માર્ટ સ્કૂલના દાવોઓ વચ્ચે સરકારી સ્કૂલની હાલત જર્જરિત છે... આ દ્રશ્યો છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હિંદી શાળા નંબર-1ના... જ્યાં એકપણ વર્ગ પર ધાબુ નથી... જેના કારણે પતરાના શેડમાં અમદાવાદના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે... પતરાના શેડ પરથી ટપકતું પાણી, દીવાલો પર જ્યાં જુઓ ત્યાં તિરાડ જ તિરાડ સરકારી શાળાઓની દુર્દશા દર્શાવે છે... જર્જરિત શાળાની સાથે સાથે અહીંયા શિક્ષકોની પણ ઘટ છે... 4 શિક્ષકોના મહેકમ સામે માત્ર 2 જ શિક્ષકો છે... આ શાળામાં ધોરણ 1થી 8ના બાળકો અનેક મુશ્કેલીઓની વચ્ચે અભ્યાસ કરે છે...
અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે... અને સરકાર પણ સ્માર્ટ સ્કૂલના દાવા કરે છે.... પરંતુ શહેરની સરકારી શાળાઓની રિયાલિટી ચેક માટે અમારા સંવાદદાતા પહોંચ્યા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં... જ્યાં સામે આવી વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી શાળા નંબર 1 અને 2ની સ્થિતિ પણ જર્જરિત છે.... અહીંયા 1400 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શાળામાં પાકુ ધાબું નથી... સરકારી શાળામાં 26 જેટલાં રૂમ છે... પરંતુ તે તમામ પર પતરાના શેડ છે... એટલે કે મેગા સિટીમાં વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે... કુબેરનગર શાળા નંબર 1 અને 2 સુધી પહોંચવા માટે સોસાયટીની વચ્ચેથી પસાર થવું પડે છે... રહેણાંક મકાનની વચ્ચે આ સ્કૂલ શોધવી પણ મુશ્કેલ બની જાય છે... આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ કોર્પોરેટર નિકુલસિંહ તોમરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સ્કૂલમાં છત લગાવવા માટે મેં અનેકવાર રજૂઆત કરી છે... પરંતુ સ્કૂલના સત્તાધીશો કંઈપણ સાંભળતા નથી... એકબાજુ સરકાર સ્માર્ટ સ્કૂલના દાવા કરે છે... પરંતુ સરકારી શાળાઓની આ સ્થિતિ બીજું જ કંઈક દર્શાવે છે...
વલસાડ જિલ્લાના ભડેલી ગામના નવાપુરા પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં કે આચાર્યની કેબિનમાં ભણવા માટે મજબૂર થયા છે. ઓરડાના અભાવે એક થી આઠ ધોરણના બાળકો એકસાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં 117 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં આઠ ઓરડા છે પણ એટલી જર્જરિત સ્થિતિમાં છે કે, વિદ્યાર્થીઓને ટેરેસ અથવા આચાર્યની કેબિનમાં બેસવું પડે છે. શાળાને તોડી પાડવાની મંજૂરી અપાઈ છે પરંતુ નવા મકાનની મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.. આ શાળા જે ગામમાં આવેલી છે તે ગામ ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું ગામ છે. વિદ્યાર્થીઓ માટે ઓરડા નથી પરંતુ આચાર્ય અને શિક્ષકોની ઓફિસ છે. પુરતા પ્રમાણમાં ઓરડા ન હોવાને કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે.
એકબાજુ સરકાર ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ ક્લાસથી સજ્જ શાળાની વાત કરી રહી છે... તો બીજીબાજુ ઉમરેઠની તાલુકા શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે... અહીંયા ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં માસૂમ ભૂલકાઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરે છે... હાલમાં તાલુકા શાળાની સ્થિતિ એવી છે કે સ્લેબના પોપડાઓ ખરી રહ્યા છે... સ્લેબના સળીયાઓ બહાર નીકળી ગયા છે... શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા પહેલો માળ અત્યંત ભયજનક હોઈ ઈમારત નવી બનાવવા માટે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી... તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં અને નગરપાલિકાએ શાળાની ભયજનક ઈમારત 4 મહિના પહેલાં જિલ્લા પંચાયતને સોંપી દીધી હતી... હાલમાં પહેલો માળ ભયજનક હોવાના કારણે બાળકોને ગ્રાઉન્ડ ફ્લોરના વર્ગોમાં બેસાડવામાં આવે છે... તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં પણ સ્લેબ જર્જરિત થઈ ગયો છે... સ્લેબના પોપડા પડી રહ્યા છે... ચોમાસામાં પાણી ઉતરી રહ્યું છે... જેના કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે... હાલ તો વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મોકલતાં સમયે ચિંતામાં જોવા મળી રહ્યા છે... સાથે જ શાળાનું નવ નિર્માણ કરવામાં આવે તેવી માગણી કરી છે..
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે... જેના કારણે ધોરણ 1થી 8ના 200થી વધુ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે... ઠોંડા ગામની સરકારી શાળા 70 વર્ષ કરતાં વધારે જૂની છે... દોઢ વર્ષ પહેલાં શાળાના રૂમની છત જર્જરિત થઈને તૂટી પડી હતી... અને અન્ય રૂમની છત પણ જર્જરિત અવસ્થામાં હોવાથી વિદ્યાર્થીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે... કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાં બનાવેલા ખુલ્લા શેડમાં ભણાવાય છે... જિલ્લા પંચાયત હસ્તકની શાળાને પાડી નાંખવા માટેની મંજૂરી તો આપવામાં આવી છે... પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા કાગળ પર રહી ગઈ છે.
આમ, અહીં વાત કોઈ એક જિલ્લા પુરતી સિમિત રહી નથી. સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી શાળાઓની સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. માત્ર ચિંતાજનક જ નહીં શાળાઓ હાલ જર્જરિત હાલતમાં ચાલી રહી છે જેને કારણે વિદ્યાર્થી હાલ અહીં જીવને જોખમમાં મુકીને ભણી રહ્યાં છે. હાલમાં જ થોડા સમય પહેલાં રાજ્યના ભરૂચ જિલ્લાની એક શાળામાં સમારકામ ન કરાવવાને કારણે લોખંડનો ઝાંપો તૂટીને વિદ્યાર્થીની પર પડ્યો હતો. જેને કારણે વિદ્યાર્થીનીનું મોત નિપજયું હતું. ત્યારે સવાલ એ થાય છેકે, શું આ રીતે પડુપડુ કરતી છત નીચે સતત મોતના ઓથાર હેઠળ બેસીને વિદ્યાર્થીઓનું ભણતર થશે? શું વિકાસતા ગુજરાતમાં ભરોસાની સરકારમાં આ રીતે ભણશે ગુજરાત?
અમરેલી જિલ્લાની શાળાની પરિસ્થિતિ એવી છેકે ઓરડા જર્જરિત હોવાના કારણે વિદ્યાર્થીઓ લીમડા નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.. જી હાં, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો અમરેલીના ધારી તાલુકાના કમી કેરાળા ગામની વચ્ચે આવેલી પ્રાથમિક શાળાના છે.. આ શાળામાં 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.. છેલ્લાં ઘણા સમયથી શાળાઓના ઓરડા જર્જરિત હોવાના કારણે વિદ્યાર્થીઓ લીમડા નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.. જાણવા એ પણ મળી રહ્યું છેકે છેલ્લાં 1 વર્ષથી બાળકો આવી જ રીતે અભ્યાસ કરી રહ્યા છે.. સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરાતા થોડા દિવસો પહેલાં જ ઓરડા બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.. શાળાની જર્જરિત હાલતના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે.. એકથી 7 ધોરણમાં માત્ર 70 વિદ્યાર્થીઓ જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે..
સ્કૂલ ચલે હમ.... ભાર વિનાના ભણતર સાથે વિદ્યાર્થીઓ ભણશે... ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત... આ તમામ સૂત્રો સરકાર દ્વારા વારંવાર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ઉચ્ચારવામાં આવે છે... પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે... આ દ્રશ્યો છે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સરકારી શાળાની... ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલ ખેટવાની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં ઓરડામાં પતરાં છેલ્લા 3 વર્ષથી તૂટી ગયા છે... કડકડતી ઠંડી હોય કે આકરી ગરમી... કે પછી ધોધમાર વરસાદ... દરેક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.... પતરાં તૂટી ગયા તેને 3થી 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તેનું રિપેરીંગ કરવામાં આવ્યું નથી કે નવા પતરાં પણ નાંખવામાં આવ્યા નથી... સરકાર કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ શાળા બનાવવાની તો વાતો કરે છે પરંતુ જે સ્થિતિ સરકારી શાળાઓની છે... તે દર્શાવે છે કે સરકારી શાળા ચલાવવામાં સરકારને બિલકુલ રસ નથી.