ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ તેજ બની ગઈ છે. ગુજરાતમાં કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓએ પણ તૈયારીઓ આદરી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના ઘણા સાંસદો પણ ચૂંટણી લડી શકે છે. મોદી સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેમના સિવાય ઘણા વરિષ્ઠ નેતાઓને તેમની મનપસંદ લોકસભા સીટ જણાવવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના સાંસદોને પણ ત્રણ-ત્રણ વિકલ્પ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મંત્રીઓ દિલ્હીથી સીટોની માંગ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી નેતૃત્વ ઈચ્છે છે કે હાઈપ્રોફાઈલ મંત્રીઓ તેમના મૂળ રાજ્યોમાંથી ચૂંટણી લડે. ખાસ કરીને એવા મંત્રીઓ જેમના રાજ્યમાં પાર્ટીનું સંગઠન નબળું છે. પાર્ટીને લાગે છે કે દિગ્ગજ નેતાઓના જવાથી તેને લોકસભા ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ તરીકે મળે છે 2 ટર્મનો લાભ-
હાલમાં દેશના આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાની પણ બીજી ટર્મ હવે પૂર્ણ થઈ રહી છે. ભાજપ રાજ્યસભાના સાંસદ તરીકે 2 ટર્મ લાભ આપે છે. મનસુખ માંડવિયા હાલમાં દેશના પીએમ નરેન્દ્ર મોદીના ખાસ ગણાય છે. જેઓ 2024ની ચૂંટણી બાદ પણ ભાજપ જીત્યું તો ફરી મંત્રી બને તેવી પૂરી સંભાવના છે. જેને પગલે મનસુખ માંડવિયા ગુજરાતમાંથી લોકસભા લડે તો પણ નવાઈ નહીં. આમ પણ સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા લોકસભાની સીટ લડે તો ભાજપને સીધો ફાયદો થાય તેવા ગણિતોને પગલે ભાજપ આ રિસ્ક લે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. માંડવિયા 2012થી રાજ્યસભાના સાંસદ છે અને તેમની ટર્મ 2024માં પૂરી થાય છે. 


જે પી નડ્ડા પણ લડી શકે છે ચૂંટણી-
ભાજપના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અંગે પણ મોટી માહિતી સામે આવી છે. રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ છે, જે આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે.  ભાજપ પાર્ટીએ રાજ્યસભામાં એક નેતાને બે ટર્મથી વધુ ન આપવાની નીતિને અનુસરીને નડ્ડાને આ વખતે લોકસભા ચૂંટણી લડવા દેવાનો નિર્ણય કર્યો છે. આ નીતિ હેઠળ ભાજપે મુખ્તાર અબ્બાસ નકવી જ્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી હતા ત્યારે તેમને ફરીથી રાજ્યસભામાં મોકલ્યા ન હતા. હવે જો નડ્ડા લોકસભાની ચૂંટણી લડશે તો પાર્ટી પોતાના નેતાઓને સકારાત્મક સંદેશ આપી શકશે. આ જ ટર્મ પર મનસુખ માંડવિયાને પણ ભાજપ લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. માંડવિયા પાસે સરકાર અને સંગઠન બંનેનો અનુભવ છે. માંડવિયાએ છત્તીસગઢમાં સહ પ્રભારી રહીને કોંગ્રેસ શાસિત રાજ્યને ભાજપમાં ફેરવી દીધું છે. દિલ્હી હાઈકમાન્ડ મનસુખ માંડવિયાની તાકાતને સારી રીતે સમજે છે. જેથી ગુજરાતના કોટાના મંત્રીમંડળના ભાગરૂપે પણ ભાજપ 2024માં જીત્યા બાદ ફરી માંડવિયાને ચાન્સ આપી શકે છે. માંડવિયાએ કોરોના સમયે કરેલી કામગીરી આજે પણ ઉલ્લેખનીય ગણાય છે. 


હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી કર્યું એલએલબી- 
હાલમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મૂળ હિમાચલ પ્રદેશના નડ્ડાનો જન્મ 1960માં પટનામાં થયો હતો. પટના યુનિવર્સિટીમાંથી બીએ કર્યા બાદ તેણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું. 1993માં તેઓ પહેલીવાર હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા. 1998માં ફરી ચૂંટણી જીત્યા અને ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા હતા. 2012માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હતા. જાન્યુઆરી 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જેપી નડ્ડાની કામગીરી ઉત્તમ રહી છે. આમ જેપી નડ્ડા ચૂંટણી લડી શકે તો મનસુખ માંડવિયા પણ હોમ સ્ટેટ ગુજરાતમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે.