બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ભલે પુરી થઈ ગઈ હોય અને નવી સરકાર ભલે રચાઈ ગઈ હોય પણ રાજ્યમાં હજુ પણ રાજકીય ગરમાવાની સ્થિતિ યથાવત છે. આ વખતે વાત વિપક્ષની નથી અહીં તો ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલાય તેવી સંભાવના છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખો બદલાય તેવી પુરી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું છે. મહેસાણામાં જસુ પટેલ, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું છે.


રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે. મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની 24 કલાકમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી બાદ ત્રણ જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે.