શિક્ષક સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી વિરોધના મૂડમાં, 8 કલાકની ડ્યુટીને લઈને મેદાને આવ્યું
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર મેદાને આવ્યું છે. શિક્ષણ વિભાગના વધુ એક પરિપત્રનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો છે. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આપવામાં આવેદનપત્ર આપ્યું છે. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી છે.
અતુલ તિવારી/અમદાવાદ :રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર મેદાને આવ્યું છે. શિક્ષણ વિભાગના વધુ એક પરિપત્રનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો છે. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આપવામાં આવેદનપત્ર આપ્યું છે. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો છે એ હાલના તબક્કે બિલકુલ ઉપયુકત નથી.
વર્ષ 2009માં RTE એક્ટ બન્યો ત્યારે બધા જ શિક્ષકો તાલિમી ટીચર ન હતા. એટલે શાળા સમય પહેલાં અને શાળા સમય બાદનો એક કલાક શિક્ષકોને તૈયારીના ભાગરૂપે આપવાના હેતુ હતો તે માટે આઠ કલાકનો સમય કરવામાં આવ્યો હતો. આજની પરિસ્થિતિમાં દરેક શાળામાં PTC, B.Ed થયેલ ટ્રેન ટીચર ઉપલબ્ધ છે. સરકારી અન્ય કચેરીમાં કર્મચારી આઠ કલાક નોકરી કરે છે તો શાળામાં પણ શિક્ષકોએ આઠ કલાક ફરજ બજાવી જોઈએ એવા શિક્ષણમંત્રીએ આપેલા નિવેદન અંગે જવાબ આપતા જણાવ્યું કે, સરકારી કચેરીમાં એકથી દોઢ કલાકનો લંચ બ્રેક આપવામાં આવે છે. એ સમયે કર્મચારીઓને બીજું કોઈ કામ કરવાનું નથી હોતું. જ્યારે શાળાના શિક્ષકોએ તો રિશેષ દરમિયાન બાળકોને હેન્ડ વોશ કરવાથી લઈ જમાડવાનું કામ પણ કરવું પડે છે, સતત બાળકોનું ધ્યાન પણ રાખવું પડે છે. શિક્ષકોએ જીવંત બાળકો સાથે કામ કરવાનું હોય છે.
RTE અંતર્ગત છ કલાકની શાળા સમયમાં ધોરણ 1 થી 5 માં 800 કલાક અને 6 થી 8 માં 1000 કલાક પૂર્ણ થઈ જાય છે. એક્ટમાં કલાકનો ઉલ્લેખ છે, માત્ર આઠ કલાકનો નહિ અને કલાકો જુના સમય પ્રમાણે થઈ પણ જાય છે. બાળકો વગર રોજ બે કલાક શાળામાં બેસાડી રાખવાના બદલે પહેલાંની જેમ શાળાનો સમય પૂર્વરત 10:30 થી 5:00 કલાક કરવાની અપીલ કરાઈ છે. જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.