ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગુજરાત સરકાર બજેટની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા માટે ભારે મથામણ કરતી રહી, જોકે, છેલ્લી એવું થઈ શક્યું નહીં. ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો પ્રયાસ એટલાં માટે કરવામાં આવી રહ્યો હતો કે, તેના કારણે ડોક્યુમેન્ટ્સ પર થતો ખર્ચ ઓછો થઈ શકે. પરંતુ બજેટ ડોક્યુમેન્ટ સબમીશનમાં કેટલીક ખામી રહી જતાં ઓનલાઈન પ્રક્રિયા ખોરવાઈ હોવાનું સામે આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી ગઈ છે. જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કર્યું હતું.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટસત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલાં મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફૂલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખતો તૈયાર કરી રહ્યું છે.


આ બજેટસત્ર 22 દિવસ સુધી ચાલશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારિતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે તેમજ વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.