હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે અભિયાન ચલાવનાર એડવોકેટ એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાનું રાજીનામું
ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજીના બદલે ગુજરાતી ભાષાને ઉપયોગમાં લેવાની વાત મુદ્દે ચાલતુ આંદોલન ચર્ચામાં રહ્યું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં કોર્ટમાં અંગ્રેજીને બદલે ગુજરાતી ભાષાનો ઉપયોગ થવો જોઈએ કે નહીં એ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. વિવિધ વિદ્વાનો દ્વારા આ અંગે સમયાંતરે અલગ અલગ મતમતાંતરો જોવા મળ્યાં છે. આ સ્થિતિમાં ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે અભિયાન ચલાવનાર એડવોકેટ અસીમ પંડ્યાએ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું શા માટે આપ્યું તે અંગેના સવાલનો જવાબ તેમના પત્રમાં છે. તેમણે એડવોકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છેકે, લાંબો વિચાર કરવા છતાં છેલ્લાં બે દિવસ પછી પણ ગુજરાતી ભાષાને અનુમોદન આપવા આંદોલન છોડી દેવા માટે હું પોતાની જાતને મનાવી શક્યો નથી. મારી અંગત વિચારધારા એસોસિયેશનના બહુમતી સભ્યોના વિચારોથી વિરોધાભાસ ધરાવે છે.
અસીમ પંડ્યાએ કમિટીને લખેલાં પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છેકે, મારી વિચારધારાના વિરોધીઓ એકમાત્ર દલીલ કરી રહ્યા છે કે, ગુજરાતી ભાષાને હાઈકોર્ટમાં અનુમોદન અપાય તો ટ્રાયલ કોર્ટના વકીલો હાઈકોર્ટમાં વકીલાત કરવા ધસારો કરશે અને તેને લીધે હાઇકોર્ટની શિસ્ત અને ગરિમા જોખમાશે. મારી માતૃભાષા ગુજરાતીનો ઉપયોગ કરવાથી આપણા કોર્ટની ગરિમા અને શિષ્ટાચારનો ભંગ થશે તેવી દલીલ મને ગળે ઊતરતી નથી. હવે વધુ ચર્ચા કરવાનો સમય નથી, હું ઉપરોક્ત વિષયને લગતા તમામ વિવાદો પર વિરામ લઉં છું અને ગુજરાત હાઈ કોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું અને મેનેજિંગ કમિટીને રાજીનામું સ્વીકારવા અને મને મારી જવાબદારીમાંથી તત્કાલ મુક્ત કરવા વિનંતી કરું છું.
સારી પ્રેક્ટિસ ધરાવતા સિનિયર એડવોકેટ્સને સ્વૈચ્છિક ધોરણે સિનિયર એડવોકેટ્સના રોલમાં સ્વીકારવા માટે બોમ્બે બાર એસોસિયેશન દ્વારા ચાલતી મૂળ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે હું આગળનું અભિયાન ચલાવવા જઈ રહ્યો છું. હું એવું માનું છું કે, સિનિયર એડવોકેટ તરીકેની માન્યતા માત્ર ઉદ્દેશના માપદંડો પર આધારિત હોવી જોઈએ. મને ખ્યાલ છે કે મારા બીજા અભિયાનનો પણ વિરોધ કરવામાં આવશે.