અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણની વાત આવે ત્યારે આમ તો સરકાર દ્વારા મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પણ પ્રાથમિક શાળાઓથી લઈને ટેકનિકલ નોલેજ આપતી મહાશાળાઓ સુધી બધે જ કોઈકને કોઈક રીતે પરિસ્થિતિ સાવ ખરાબ હોવાનું વખતોવખત સામે આવતુ રહે છે. આ વખતે ફરી એકવાર એ વાતનો પુરાવો પડ્યો છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા. પરીક્ષામાં આ વખતે તો વિદ્યાર્થીઓએ એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે, જે શિક્ષણને લાંચ્છન લગાડનારો છે. GTUમાં પહેલીવાર એક જ સત્રની પરિક્ષામાં એક સાથે 596 કૉપી કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પરીક્ષામાં એક સાથે લગભગ 600 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાય તો આ આંકડો નાનો નથી. ગેરરિતીના આંકડા મામલે જીટીયુના ઈતિહાસનો આ સૌથી મોટો આંકડો કહી શકાય. ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ - એમસીએ સહિત વિવિધ કોર્સની સેમિસ્ટર બેથી આઠ સુધીની રેગ્યુલર અને એટીકેટીની પરિક્ષામાં ગેરરીતી કરતા વિદ્યાર્થીઓ પકડાયા છે. જેને કારણે કોલેજો, યુનિવર્સિટી અને શિક્ષણ દરેકને બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે.


કોપી કેસમાં પકડાયેલાં 596 વિદ્યાર્થીઓને GTUની યુએફએમ કમિટી દ્વારા સજા કરવામાં આવશે. 596 વિદ્યાર્થીમાથી ડિપ્લોમા એન્જિનિયરિંગના 298, ડિગ્રી એન્જિનિયરિંગના 185, બી. ફાર્મના 46, એમબીએના 28, એમસીએના 11 વિદ્યાર્થી નો સમાવેશ થાય છે. UFM કમિટી દ્વારા વિદ્યાર્થીઓ લેવલ એકથી છ સુધીની સજા નક્કી કરાશે.