ગાંધીનગરના ત્રણ વરરાજાનો પડી ગયો વારો! લગ્નની લાલચમાં ફસાવી લૂંટેરી દુલ્હનો લૂંટી ગઈ લાખો રૂપિયા
Weadding: ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક બે નહીં પણ ત્રણ-ત્રણ યુવકોને લગ્નનની લાલચ આપી લૂંટેરી દુલ્હન લૂંટી ગઈ. વલસાડની લૂંટેરી દુલ્હનો ગાંધીનગરના ત્રણ યુવકો પાસેથી લગ્ન કરવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધાં. લગ્નના 15 જ દિવસમાં આખુ ઘર સાફ કરીને, તિજોરી પર હાથ ફેરવીને પિયરમાં પરત જતી રહી લૂંટેરી દુલ્હન.
લૂંટેરી દુલ્હનોએ ત્રણ યુવાનો સાથે છેતરપિંડી કરી
લગ્નની લાલચમાં ફસાયા ગાંધીનગરના ત્રણ યુવાનો
વલસાડ બાજુની 3 યુવતીઓ બની લૂંટેરી દુલ્હન
ગામના જ એજન્ટે ભજવી વચેટીયાઓની ભૂમિકા
20 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હનો ફરાર
Gandhinagar News: બદલાતા સમયની સાથે છેતરપિંડીની તરકીબો પણ બદલાઈ ગઈ છે. હવે લગ્ન જેવા સંબંધોના નામે પણ થાય છે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી. માસૂમ દેખાતી યુવતીઓ લગ્ન કરીને તમારા ઘરમાં આવે છે અને આખું ઘર સાફ કરી જાય છે. આવો જ એક કિસ્સો હાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સામે આવ્યો છે. જ્યાં લગ્નની લાલચમાં ફસાવીને ત્રણ લૂંટેરી દુલ્હનો ત્રણેય વરરાજા પાસેથી લાખો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગઈ.
ગુજરાતમાં હવે આવા કિસ્સાઓ વધી રહ્યાં છે. આ વખતે આ લૂંટેરી દુલ્હનોનું આ ગ્રૂપ રાજ્યના વલસાડ જિલ્લામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તેના ગ્રૂપના સાથીઓ પણ આ કૌંભાડમાં સામેલ હતા. એટલું જ નહીં ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ કિસ્સાઓમાં મોટાભાગે લૂંટેરી દુલ્હન મહરાષ્ટ્ર, રાજસ્થાન કે યુપી-બિહારમાંથી આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ વખતે તો ગુજરાતના જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવીને લગ્નના નામે લૂંટેરી દુલ્હને લૂંટ ચલાવી છે. આ કિસ્સો લગ્નની રાહ જોઈ રહેલાં યુવાનો અને તેમના પરિવારજનો માટે આંખ ખોલનારો છે. હાલમાં સમાજની અંદર યુવતીઓની સંખ્યા ઘટી રહી છે અને મોટાભાગે યુવતીઓ હવે વધુ અભ્યાસ કરતી હોવાથી તેમના પ્રમાણમાં શિક્ષિત યુવાનો શોધી રહી છે. જેના કારણે ઘણા સમાજના ગણિતો બગડી ગયા છે અને યુવાનો લગ્નની ઉંમર વટાવી જવા છતાં લગ્ન નહીં થતા હોવાથી લુટેરી દુલ્હન ગેંગનો શિકાર બની રહ્યા છે.
ગાંધીનગરના યુવકો સાથે બનેલા કિસ્સામાં લગ્નના 15 જ દિવસમાં આખુ ઘર સાફ કરીને, તિજોરી પર હાથ ફેરવીને પિયરમાં પરત જતી રહી 3 લૂંટેરી દુલ્હનો. જેમની સાથે છેતરપિંડી થઈ તે યુવકો ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને રાંધેજા ગામમાં રહેતા હતાં. રૃપાલના વચેટીયા સહિત પાંચ સામે ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધાયો. ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ અને રાંધેજા ગામના ત્રણ યુવાનો વલસાડની લુટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યા છે અને તેમની પાસેથી લાખો રૃપિયા પડાવીને લગ્નના ૧૫ જ દિવસમાં આ ત્રણેય યુવતીઓ પિયરમાં જતી રહી હતી. જોકે છેતરાયાનો અહેસાસ થતાં આ યુવાનોએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગામના દલાલ સહિત પાંચ સામે ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વલસાડની લૂંટેરી દુલ્હનોએ ગાંધીનગરમાં બિછાવી જાળઃ
લૂંટેરી દુલ્હનના આ પ્રકારના કિસ્સા ગાંધીનગરમાં સામે આવ્યાં છે. જેમાં ખાસ કરીને ગાંધીનગર જિલ્લાના રૃપાલ અને રાંધેજા ગામ આ દુલ્હનોએ પોતાની જાળ બીછાવી હતી. જ્યાં ગામમાં રહેતા એક બે નહીં પરંતુ ત્રણ યુવાનો વલસાડની લૂંટેરી ગેંગનો શિકાર બન્યા છે.
ખેતરમાં લગ્ન માટે કન્યા જોવા ગયા હતા વરરાજા!
ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રૃપાલ ગામમાં રહેતો યુવાન ચીનમય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યા હતા. જોકે ગામમાં જ રહેતા શૈલેષ કનુભાઈ પટેલે ચીનમયને એક યુવતીનો ફોટો બતાવ્યો હતો અને આ યુવતી તારા માટે સારી રહેશે તેમ કહેતા તેણે પરિવારજનોને ફોટો બતાવ્યા બાદ શૈલેષ પટેલ સાથે વલસાડના ચીખલીથી આગળના વિસ્તારમાં ખેતરમાં યુવતી જોવા માટે ગયા હતા. જ્યાં યુવતીના મામાના ઘરે તેમને યુવતી બતાવવામાં આવી હતી. યુવાન અને યુવતીએ એકબીજાને પસંદ કરી લેતા પરિવારજનોએ લગ્નનું નક્કી કર્યું હતું.
લગ્ન બાદ દુલ્હને માંગ્યો મોંઘો ફોનઃ
જોકે શૈલેષભાઈએ કહ્યું હતું કે, યુવતીના પરિવારજનો લગ્નનો ખર્ચ કરી શકે તેમ નહીં હોવાથી તેમને આર્થિક મદદ કરવી પડશે અને તે પેટે ત્રણ લાખ રૃપિયા રોકડા નારદીપુર ખાતે યુવતીના જીજાજી હિતેશ વિમલેશભાઈ પટેલ રહે, શિવ નગર વાપી વલસાડને આપ્યા હતા. ત્યારબાદ ૧૭ ફેબુ્રઆરીના રોજ સેક્ટર ૨૪માં આવેલી આર્ય સમાજની વાડીમાં ચીનમય અને યુવતી માનસીના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ માનસીએ મોબાઇલની માંગણી કરતા ૨૮,૦૦૦નો ફોન લઈ આપ્યો હતો અને ત્યારબાદ તે પંદર દિવસ રોકાઈને પિયર ગઈ હતી.
દાંતની ટ્રીટમેન્ટના નામે દુલ્હને પડાવ્યાં બીજા પૈસાઃ
ત્યારબાદ પરત આવી હતી અને દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને ફરી પિયર ગઈ હતી અને ટ્રીટમેન્ટ માટે ૨૪ હજાર રૃપિયાની માગણી કરી હતી. જોકે ચીનમયએ રૃપિયા આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને તને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના પગલે શૈલેષભાઈને જાણ કરતાં તેમણે ૧૫ દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી. જો કે તપાસ કરતા ગામમાં રહેતા મેહુલ અને સંદીપ નામના યુવાનો પણ આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું.
ગેંગે ઉત્તર ગુજરાતના યુવાનો પાસેથી 20 લાખ પડાવ્યા-
ગાંધીનગર સહિત મહેસાણા અને અલગ અલગ વિસ્તારોમાં રહેતા પરિવારના યુવાનો આ પ્રકારની લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યા હોવાનું બહાર આવી રહ્યું છે. જેમાં આ ટોળકીએ રુપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કુલ છ જેટલા યુવાનોને છેતર્યા છે અને તેમની પાસેથી ૨૦ લાખ ઉપરાંતની રકમ મેળવી લીધી છે. પોલીસ દ્વારા આ મામલે હવે ગુનો દાખલ કરીને આ ટોળકીને પકડવા માટે દોડધામ શર કરવામાં આવી છે.