દિવ્યેશ જોશી, રાજકોટઃ બજરંગી ભાઈજાન ફિલ્મની મુનિની જેમ અમરેલીની 10 વર્ષની દીકરી માતાની શોધ કરવા નીકળી. રાજકોટની 181ની ટીમે માતા સાથે કરાવ્યું મિલન. માતા છોડીને ચાલી જતા દસ વર્ષની દીકરી પોતાના ભાઈ માટે રસોઈ બનાવતી. માતાને શોધવા નીકળેલી દસ વર્ષની સગીર દીકરીની હિંમત અને  સમજણ શક્તિ જોઈ પોલીસ પણ ચોકી ઉઠી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજરંગી ભાઈજાન નામની ફિલ્મમાં મુન્ની નામનું જે પાત્ર ભજવે છે તે પોતાની માતાની શોધ માટે પાકિસ્તાન જાય છે આ ફિલ્મમાં તેની મદદ બોલીવુડ સ્ટાર સલમાનખાન કરતો હોય તેવું આ ફિલ્મમાં જોવા મળે છે તેવું જ કંઈક અમરેલીમાં બન્યું હતું..જ્યાં પતિ સાથે વારંવાર થતાં ઝઘડાને લઇને પત્ની કંટાળી ઘર તેમજ પોતાના બે બાળકોને છોડીને ચાલી જાય છે..ત્યારે  10 વર્ષની બાળકી માતાને શોધવા અમરેલીથી રાજકોટ પહોંચે છે.. ત્યારે આ દીકરી કેવી રીતે તેની માતા સુધી પહોંચે છે જાણો આ રસપ્રદ કહાની...


પિતા અવારનવાર દારૂ ઢીંચીને માતાને હેરાન કરતો હતો-
૨૬ સપ્ટેમ્બરે દસ વર્ષની એક દીકરી તેના ઘરેથી તેની માતાની શોધમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે ત્યાંના સિક્યુરિટી સ્ટાફે સમગ્ર ઘટનાની જાણ ૧૮૧ અભયમની ટીમને કરતા તે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચી હતી ત્યાં સૌપ્રથમ ૧૮૧ના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ નાઝિયાબેન સહિતની ટીમ દ્વારા દીકરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. આ દીકરીએ કાઉન્સિલિંગમાં જણાવ્યું કે, તેમના માતા-પિતા વારંવાર નાની-નાની બાબતમાં ઝઘડા કરે છે, તેમના પિતા કેફી દ્રવ્યનું સેવન કરે છે જેના કારણે ઘરમાં અવાર-નવાર ઝઘડા થયા કરે છે અને આ બધા ઝઘડાના કારણે તેમની માતા ઘરેથી નીકળી ગઈ હતી. તેથી દીકરીને એવું લાગેલ કે તેમની માતા તેમને અને તેમના નાના ભાઈને છોડીને ચાલી ગયેલ છે. 


181ની ટીમે સરપંચનો સંપર્ક કરી માતા સાથે મિલન કરાવ્યું-
પરિવારમાં આવો બનાવ પહેલા પણ બનેલો હતો તેથી તેમની માતાને મનાવવા માટે અને ઘરે લઈ જવા માટે આ ૧૦ વર્ષની દીકરી અમરેલીથી રાજકોટ પહોંચી ગઈ હતી. રાજકોટ હોસ્પિટલમાં આ દિકરીના કાકી થોડાક સમય પહેલા એડમિટ હતા તેથી દીકરી હોસ્પિટલમાં તેની માતાની શોધખોળમાં આવેલી હતી તેમ દીકરીએ જણાવ્યું હતું. તેથી ૧૮૧ ટીમે હોસ્પિટલમાંથી તેમના કાકા કાકીનો નંબર શોધી અને દીકરીના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમના માતા પિતા પાસે કોઈ ફોન ન હોવાથી ગામના સરપંચનો નંબર મેળવી અને દીકરીના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. જેમાં દીકરીના પિતાએ જણાવ્યું કે, દીકરીની માતા ત્યાં ઘરે હતા અને દીકરીની માતાને જાણવા મળ્યું કે તેમની દીકરી તેમને શોધવા માટે રાજકોટ ગયેલ છે તો માતા પણ દીકરીને શોધવા માટે રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.


માતા પિતાના ઝઘડાની અસર બાળકોના મગજ પર પડતી હોય છે-
૧૮૧ અભયમની ટીમે દીકરીના પિતાને પણ કાઉન્સિલિંગમા સમજાવ્યું હતું કે, તેમણે તેમની પત્ની જોડે ઝઘડા કરવા નહીં, ઝઘડાની અસર બાળકોના મગજ ઉપર થાય છે અને આવું પરિણામ આવે છે.આમ પિતાના કાઉન્સિલિંગ બાદ પિતાએ પોતાની ભૂલ સુધારવા ખાત્રી આપી હતી. દિકરી તેના માતા સાથે અમરેલી વતન પહોંચી હતી. આમ ૧૦ વર્ષની દીકરી જે તેમની માતાને શોધવા માટે અમરેલીથી રાજકોટ આવી ગઈ હતી તેને અભયમ ટીમે સહી સલામત તેમના પરિવારને સોંપી હતી. ઉપરાંત જ્યારે 181 ની ટીમ દ્વારા દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દીકરીની સમજણ શક્તિ તેમજ હિંમત જોઈને 181 ની ટીમ પણ ચોકી ગઈ હતી અને આ દીકરીનો તેની માતા સાથે મિલન કરાવતા દીકરીના પરિવારે ૧૮૧ ટીમનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.