નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકના નવી કામરોળ ગામની સીમ માંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. દીપડાનું કુદરતી મોત કે અંદરો અંદરની લડાઈ કે પછી કોઈએ તેનું મોત નિપજાવ્યું?? હાલ તો દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી અને વનવિભાગે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાના અનેક તાલુકા પંથકમાં દીપડાનો વસવાટ-
ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર અને સિહોર પંથકમાં દીપડા જોવા મળી રહ્યા છે, દીપડાની સંખ્યામાં થઈ રહેલો વધારો તેનું મુખ્ય કારણ છે, બૃહદ ગીર વિસ્તારમાં સિંહો ની વધી રહેલી વસ્તી અને તેને અનુકૂળતા ના કારણે દીપડા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પગ પેસારો કરી રહ્યા છે, અને ગ્રામ્યના વાડી ખેતરો અને વાડામાં બાંધવામાં આવેલા પાલતુ પશુઓના આસાનીથી શિકાર કરી શકાય એ માટે ગ્રામ્યના સીમ વિસ્તારના તેની આવન જાવન વધી છે. જે પશુપાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.


દીપડા દ્વારા પાલતુ પશુઓના મારણ ને લઈને ફફડાટ-
તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની રંજાડ ના સમાચારો મળી રહ્યા છે, એવામાં તળાજાના નવી કામરોળના સીમ વિસ્તાર માથી દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે, બે દિવસ પહેલા અને થોડા દિવસ અગાઉ દીપડાએ માલધારીઓના પાલતુ પશુનું મારણ કર્યું હતું, જેમાં એક વાછરડી અને એક વાછરડાનો દીપડા દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો, જેને લઇને પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે, સાથે શિકારી દીપડાને પાંજરે પુરવા માંગ ઊઠી રહી છે, આવવા સમયે દીપડાનો મૃતદેહ સીમ વિસ્તારમાંથી મળી આવતા ગામના સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા તેમજ દીપડાના મોત અંગે વનવિભાગને જાણ કરી હતી.


દીપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગ ઘટના સ્થળે-
તળાજા તાલુકાના નવી કામરોળ ગામના સીમ વિસ્તારમાં દીપડાનો મૃતદેહ પડયો હોવાની ગામલોકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ હતી જેને લઇને ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દીપડાનો મૃતદેહ ફોરેન્સિક માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. જોકે મૃતદેહ ની સ્થિતિને લઈને દીપડાનું મોત બે દિવસ પહેલા થયું હોવાનું વનવિભાગના અધિકારીઓએ અનુમાન કર્યું છે. પરંતુ દીપડાનું મોત શા કારણે થયું તેની ફોરેન્સિક તપાસ હાથ ધરાઇ રહી છે.


શું ઇન્ફાઇટ થી દીપડાના મોત થયું?
દીપડાનો મૃતદેહ મળી આવ્યો એ વિસ્તારમાં દીપડાની ખાસ્સી સંખ્યા નોંધાઈ છે, જ્યાં અવાર નવાર દીપડા જોવાલી રહ્યા છે, ત્યારે અંદરો અંદરની લડાઈ (ઇન્ફાઇટ) પણ દીપડાના મોત પાછળ જવાબદાર હોવાનું વનવિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.