ગુજરાતના આ શહેરમાં છે સૌથી વધારે કુતરાનો ત્રાસ, તંત્રના પાપે લોકો બને છે શ્વાનના આતંકનો ભોગ
અમદાવાદમાં હાલ 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરાં કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રુપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળી પણ રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. મેગાસિટીમાં તમામ વિસ્તારોમાં રખડતા શ્વાનથી લોકો ભારે પરેશાન છે. પગપાળા કે વાહનો પર નીકળતા લોકો પર ક્યારેય પણ હુમલા કરે છે શ્વાન. શહેરમાં કુતરા કરડવાના સરેરાશ દૈનિક 160 થી 180 જેટલા કેસ છે. પાછલા ચાર વર્ષમાંજ સ્માર્ટીસિટીમાં 2.14 લાખ કરતા વધુ લોકો રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા.ગત સપ્તાહે જ ફતેવાડી વિસ્તારમાં શ્વાનના હુમલાના એક જ દિવસમાં 3 બનાવ બન્યા હતા.
રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ માટે કરોડો ખર્ચાતા હોવા છતાં પરિણામ શૂન્ય. વર્ષ 2021 થી 2023 દરમ્યાન 20670 ફરિયાદ અંતર્ગત 105914 શ્વાન પકડવામાં આવ્યા. આજ સમયગાળા દરમ્યાન ફક્ત 29083 શ્વાનનું જ ખસીકરણ કરી શકાયું. હાઇકોર્ટના આદેશ બાદ રખડતા ઢોર મુદ્દે કડક કર્યવાહી કરનાર amc શ્વાન મામલે પણ સક્રિયતા બતાવશે??
ઉલ્લેખની છેકે, અમદાવાદમાં હાલ 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરાં કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રુપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. આમ છતાં રખડતા કૂતરાં કરડવાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહયો છે. શહેરીજનાને રખડતા કૂતરાંના ત્રાસમાંથી મુકત કરવા માંગ ઉઠી રહી છે.
2019 ના સર્વે મુજબ શહેરમાં કુલ 2.20 લાખ શ્વાનની વસ્તી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓને રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરી અન્ય સ્થળે મુકત કરવાની કામગીરી પેટે શ્વાન દીઠ રુપિયા 976.50 ચુકવવામાં આવે છે. વર્ષ 2020-21 મા કૂતરાંના ખસીકરણ પાછળ રુપિયા 2.30 કરોડ, વર્ષ- 2021-22 માં રુપિયા 2.56 કરોડ તથા વર્ષ- 2022-23 માં રુપિયા 4.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ રખડતા કૂતરાં કરડવાના બનાવ સતત બની રહયા છે. હાલમાં શહેરમાં રખડતા કૂતરાં કરડવાના રોજ 200 બનાવ બની રહયા છે. શ્વાન કરડવાના વર્ષ-2020માં 52318, વર્ષ- 20121 માં 51812 વર્ષ- 2022 માં 59513 કેસ વર્ષ 2023 માં 50668 મળી ચાર વર્ષમાં કૂતરાં કરડવાના કુલ 2,14,311 કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાયા છે.