ઝી બ્યૂરો, અમદાવાદઃ રામાયણ એક એવું મહાન નિરૂપણ હતુ જે સદીઓમાં એકવાર થઈ શકે છે. હિન્દૂ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને તેમના જીવન સાથે જોડાયેલી કથા એટલે રામાયણ. ભગવાનની આ કથાને કલાકારોના માધ્યમથી ધારાવાહિક સ્વરૂપે ટીવીના પડદે કંડારવું એ કામ કંઈ નાનું સુનુ નથી. આના માટે ખુબ ઉંડાણ પૂર્વકનું રિસર્ચ કરવાની જરૂર પડે છે. આ ધારાવાહિકના ડાયરેક્ટર રામાનંદ સાગર માટે પણ આ કામ સહેલું નહોતું. તેમણે ખુબ રિસર્ચ કર્યા બાદ જ આ સિરિયલનું નિર્માણ કર્યું. જોકે, આ સિરિયલનું શૂટિંગ ક્યા કરવું એ મોટો સવાલ હતો. અને ત્યાર બાદ કેમ ગુજરાતના એક ખાસ સ્થળની પસંદી કરવામાં આવી એ પણ એ રોચક કિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામાયણ સિરિયલના નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગર એવું માનતા હતા કે, દરેક સીન એકદમ રિયલ લાગવો જોઈએ. જ્યાં ઝાડની વાત આવે ત્યાં ઝાડ, જ્યાં જંગલની વાત આવે ત્યાં જંગલ, જ્યાં પહાડની વાત આવે ત્યાં પહાડ અને જ્યા સીનમાં નદી કે તળાવની વાત આવે ત્યાં એવું સ્થળ રિયલમાં હોવું જોઈએ. આર્ટિફિશયલ લોકેશન તેમને પસંદ નહોતા. એટલાં માટે રામાનંદ સાગરે ન માત્ર દેશના વિવિધ રાજ્યો બલ્કે વિદેશમાં પણ કેટલાંક સ્થળો એ આના માટે રિસર્ચ કર્યું હતું. પણ તેઓ કોઈ એવું લોકેશન પસંદ કરવા માંગતા હતા કે આખો શૂટિંગ સ્ટાફ પોતે પણ ત્યાં બેસીને ખાઈ શકે. પોતાના પરિવારથી નજીક રહી શકે. ક્યારેક જરૂર પડે તો અવરજવર કરી શકે.


આ ઉપરાંત રામાનંદ સાગર એવું ઈચ્છતા હતા કે સૌથી વધારે મહત્ત્વની વાત કે દરેક સીન અને ખાસ કરીને લોકેશન વાઈઝ એકદમ ઓરિઝનલ લાગવો જોઈએ. તેના માટે આખરે રામાનંદ સાગરે લાંબી શોધખોળ અને વિચાર વિમર્શ બાદ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલાં ઉમરગામ પર પસંદગી ઉતારી. ઉમરગામમાં શૂટિંગ કરવાનું એક મોટું કારણ ફાઈનાશિયલ પણ હતું. એટલું નહીં રામાનંદ સાગરને એવું લોકેશન જોઈતું હતું જે રિયલ હોય અને ત્યાં બિનજરૂરી માણસોની અવરજવર પણ ન હોય અને સેટ પરની કોઈ વસ્તુ લીક ન થાય.


જ્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી, તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે આ પૌરાણિક શો આઇકોનિક બની જશે. આ શો પહેલીવાર ઓન એર થયો તેને આજે લગભગ 4 દાયકા જેટલો સમય થઈ ગયો. પરંતુ દર્શકોની માંગ પર, આ શો ટેલિવિઝન પર ઘણી વખત પ્રસારિત કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં જ્યારે ‘રામાયણ’ સિરિયલનું ટેલિકાસ્ટ થયું ત્યારે પણ આ સિરિયલની ટીઆરપી જબરદસ્ત આવી. તેણે અગાઉની તમામ સિરિયલની ટીઆરપીના રેકોર્ડ તોડી નાંખ્યાં. ત્યારે આપણે આ આ પૌરાણિક હિટ સિરિયલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવા જેવી છે. 


લોકો આજે પણ એ જ રસથી રામાનંદ સાગરની ‘રામાયણ’ જુએ છે. તેનો પ્રથમ એપિસોડ 25 જાન્યુઆરી, 1987ના રોજ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયો હતો. તમે તેના તમામ એપિસોડ YouTube પર પણ જોઈ શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રામાયણ’ સિરિયલના એક એપિસોડનું બજેટ લગભગ 9 લાખ હતું. એટલે કે 78 એપિસોડ માટે 7 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે એક એપિસોડ 40 લાખ રૂપિયાની કમાણી કરી. એટલે કે નફો 31 કરોડ 4 લાખ રૂપિયા હતો.


આ શોનું શૂટિંગ ક્યાં થયું તે જાણવામાં ઘણા લોકો ખૂબ જ રસ લે છે. વાસ્તવમાં, ‘રામાયણ’નો સેટ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલાં ઉમરગામમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક સીન અલગ-અલગ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા હતા. રામાયણના પહેલા એપિસોડનું શૂટિંગ લગભગ 15 દિવસ સુધી ચાલ્યું હતું. નવાઈની વાત એ છે કે તમામ ક્રૂ મેમ્બર્સ મોટાભાગે શૂટ લોકેશનમાં જ રહેતા હતા. તે જ સમયે, અહેવાલો અનુસાર, આ સમગ્ર શોનું શૂટિંગ 550 દિવસ સુધી ચાલ્યું હતું.


આ પહેલી સિરિયલ હતી જેમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુષ્પક વિમાન હોય કે હનુમાનનું ઉડતું દ્રશ્ય, બધામાં તેનો ભરપૂર ઉપયોગ થયો. લોકોને પણ આ દ્રશ્યો ખૂબ પસંદ આવ્યા. જો કે આ સીરિયલનું મોટાભાગનું શૂટિંગ સેટ પર થયું હતું, પરંતુ રામ સેતુ સીનનું શૂટિંગ રિયલ લોકેશન પર થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો રામાનંદ સાગરે આ સીન ચેન્નાઈમાં શૂટ કર્યો હતો.