ગુજરાતીઓ ભોજનમાં લઈ રહ્યાં છે ધીમું ઝેર! જાણો તમાકુ કરતા પણ ખતરનાક છે કઈ વસ્તુ
Gujarat cancer : કેન્સર એટલે કેસ ફેલ, દિવસે ને દિવસે કેસોની વધી રહેલી સંખ્યા તમને હતાશ કરી દેશે. તમારા પ્રયાસો નિષ્ફળ જશે. ગુજરાતમાં કેસો વધી રહ્યાં છે. કેન્સરની સારવારની સાથો સાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવા શું કરવું તે પણ જાણી લેજો.
Orgenic Farming In Gujarat : સાચવજો તકલીફો હવે શરૂ થવાની છે. ગુજરાતમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્સરના આંકડાઓ જોશો તો તમે હલી જશો. અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં એવા આંકડાઓ સામે આવ્યાં કે તમારી આંખો પણ ચાર થઈ જશે. ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યુંકે, ગુજરાત કેન્સર સોસાયટી દર વર્ષે ૮ લાખ ઓપીડી દર્દીઓ અને ૬૦,૦૦૦ ઇન્ડોર દર્દીઓને સેવા આપી રહી છે. ગુજરાતમાં સતત વધી રહ્યો છે કેન્સરના દર્દીઓનો આંકડો. ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલમાં હાજરી આપવામાં આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખુબ મહત્ત્વની વાત કરી.
ખાનપાન અને જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગો વધ્યા
રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણા ખાનપાન અને જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગો વધ્યા છે : જેવું અન્ન એવું મન, આહાર શુદ્ધ હશે તો તન અને મન બંને શુદ્ધ અને રોગ રહિત રહેશે. ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા. વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખે પહોંચ્યો છે. તે પૈકી ગુજરાતમાં કેન્સરના ૭૩ હજાર દર્દીઓ છે. ગુજરાતીઓએ ખાસ કેન્સરના રોગોથી ચેતવાની જરૂર છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પહેલાં નદી-તળાવ અને સરોવરોમાં છલ્લોછલ પાણી દેખાતા હતા, પછી પાણી માટે આપણે કુવા સિંચ્યા અને આજે આપણે બોટલોમાં પાણી મેળવી રહ્યા છીએ. જો આમ જ ચાલ્યું તો આવનારા દિવસોમાં આપણે પાણીના ઈન્જેક્શન લેતા હોઈશું. વિકાસ અને ઉત્પાદનના નામે આપણે પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છીએ. આવનારી પેઢી એ ઘણી પરેશાની ભોગવવાની થશે.
કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા. વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખે પહોંચ્યો છે. તે પૈકી ગુજરાતમાં કેન્સરના ૭૩ હજાર દર્દીઓ છે. બીમારીના ઉપચારની સાથોસાથ તે ન થાય તેના ઉપાયો પણ વિચારવા જોઈએ. આપણે પર્ણોને પાણી સિંચ્યા કરીએ છીએ, ખરેખર તો મૂળમાં પાણી આપીએ તો પર્ણો સુધી પહોંચવાનું જ છે. આપણા ખાનપાન અને આપણી જીવનશૈલી સુધારીશું તો કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગોને થતા જ અટકાવી શકીશું.
જનજાગૃતિ કેળવવાની અત્યંત આવશ્યકતા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શુદ્ધ અન્ન માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે તમામને પ્રાકૃતિક કૃષિ પેદાશો જ વાપરવાનો આગ્રહ કર્યો હતો. ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગોનો વિસ્ફોટ થયો છે. કેન્સરની સારવારની સાથેસાથ કેન્સર ન થાય તે માટે જનજાગૃતિ કેળવવાની અત્યંત આવશ્યકતા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી, સંસાધનો અને સાધનોની સહાયથી ગુજરાત કેન્સર સોસાયટી કેન્સરના દર્દીઓને અને તેમના પરિવારજનોને ઓછામાં ઓછું કષ્ટ પડે એ પ્રકારે નિસ્વાર્થ ભાવે માનવતાની મોટી સેવા કરી રહી છે. માત્ર ગુજરાત જ નહીં, ભારતભરના લોકો તેનો લાભ મેળવી રહ્યા છે.
કેન્સર માટે તમાકુ જવાબદાર છતાં પ્રોત્સાહન
વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોના તારણને ટાંકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અનાજની હાઇબ્રીડ જાતો અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગને કારણે આપણા ખાદ્યાન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ છે. વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં આપણે પોષક તત્વો ગુમાવ્યા છે. એટલે જીવલેણ રોગોનું આક્રમણ વધ્યું છે. કેન્સર માટે તમાકુ તો જવાબદાર છે જ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આપણા ભોજનમાં આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. ફાસ્ટ ફૂડ - જંક ફૂડનો વધતો પ્રભાવ અને યોગ - પ્રાણાયામના અભાવને આપણે ગંભીરતાથી લેતા નથી. જેવું અન્ન એવું મન. અન્નથી જ મન બને છે. આહાર શુદ્ધ હશે તો તન અને મન બંને શુદ્ધ અને રોગ રહિત રહેશે. આમ છતાં ગુજરાતમાં તમાકુની ખેતી પણ મોટાપાયે થાય છે. ગુજરાતના રાજ્યપાલ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
વધી રહ્યાં છે કેન્સરના કેસો
ભારતમાં દર એક લાખની વસ્તીને 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ જોવા મળે છે. દર વર્ષે 7 લાખ જેટલા દર્દી કેન્સરથી મૃત્યુ પામે છે.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્ષ 2021માં GCRI ખાતે કેન્સરના 16 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા, વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.
વર્ષ 2021માં કેન્સરના દર મહિને 1,333 કેસો નોંધાયા હતા. જેની સામે વર્ષ 2022નાં 10 મહિનામાં દર મહિને કેન્સરના 1,350 દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022માં નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં 7900 પુરુષ દર્દીઓ જ્યારે 5500 જેટલી મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં સૌથી વધુ કેસ મોઢાના કેન્સરના નોંધાયા, ત્યારબાદ બ્રેસ્ટ, જીભ, ગર્ભાશય તેમજ લંગ્સ કેન્સરના સામે આવ્યા છે. અગાઉ મોઢાના કેન્સર 30 કરતા વધુની ઉંમરના દર્દીઓમાં જોવા મળતા જે હવે 20 વર્ષના દર્દીઓમાં નોંધાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
કેન્સર સોસાયટીમાં સુવિધાઓ માટે મોટું દાન આપનાર દાતાઓ
રાજ્યપાલે જણાવ્યું કે, ગુજરાત કેન્સર સોસાયટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પંકજભાઈ પટેલ તથા તેમના સાથીઓની મહેનતનું પરિણામ છે. ગુજરાત કેન્સર સોસાયટીમાં સુવિધાઓ માટે મોટું દાન આપનાર ત્રણ દાતાઓ; સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ પાઈપ), રાકેશભાઈ શાહ (કંચન ફાર્મા) અને જયંતીભાઈ પટેલ (મેઘમણી ગ્રુપ) નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સન્માન કર્યું હતું.
છેલ્લા છ દાયકાથી સોસાયટી કેન્સરના દર્દીઓની સારવાર અને કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવવા પ્રયત્નશીલ છે કેન્સર નિદાન શિબિર અને તાત્કાલિક સારવાર ને વધુ પ્રોત્સાહન આપીને સોસાયટી કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરવાનો હર સંભવ પ્રયાસ નિરંતર કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન, ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, ડૉ. ટી બી પટેલ ડ્રગ બેંક અને કોમ્યુનિટી કેન્દ્ર ના માધ્યમથી ગુજરાત કેન્સર સોસાયટી દર વર્ષે લગભગ ૮ લાખ ઓપીડી દર્દીઓ અને ૬૦,૦૦૦ ઇન્ડોર દર્દીઓને સેવા આપી રહી છે. ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન નવા પ્રોટોન કેન્દ્રની યોજના બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ડૉ. ટી. બી. પટેલ ડ્રગ સેન્ટરના માધ્યમથી એક લાખ જેટલા દર્દીઓને સબસીડીવાળી દવાઓ આપવામાં આવી રહી છે.
આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી
આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભયાવહ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવવી હશે, હવા-પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર-અસાધ્ય બીમારીઓથી બચાવવા હશે તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી. તેમણે કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને 'મિશન મોડ'માં કામ કરવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં એવું પ્રેરક આહવાન કર્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આપણે ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવે. આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશમાં પાણી બચાવવાનું જે અભિયાન અમૃત સરોવરનાં નિર્માણથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને પણ અપનાવવાની જરૂરીયાત સમજાવી હતી.
૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો આ કાર્યક્રમ કેન્દ્ર અને રાજ્ય સરકારનો એવો જનહિતલક્ષી કાર્યક્રમ છે કે, આ ખેતીને પરિણામે માસ ઇમ્પેક્ટ ઉભી થશે અને ભવિષ્યની પેઢીઓની સ્વાસ્થ્ય સુધારણા અને સુખાકારીનું આ કામ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનાં વ્યાપ વિસ્તાર માટે એકધારો પ્રયત્ન કરી રહ્યા છે. તેના સારાં પરિણામો પણ આપણે મેળવ્યા છે. ૩ લાખ મેટ્રીક ટન યુરીયા ઓછું વપરાયું છે અને અંદાજે ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. મુખ્યમંત્રીએ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, જો જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો માટીમાંથી રેતી થતી અટકશે અનાજ પણ વધુ પાકશે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણી દિશા સ્પષ્ટ છે હવે પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવાનાં નિર્ધાર સાથે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. કલેક્ટર અને ડી.ડી.ઓ.ને તેમણે અનુરોધ કર્યો કે, પ્રાકૃતિક ખેતીનાં સંદર્ભમાં હજુ કંઈ વધુ સારૂ થઈ શકે તે દિશામાં તેમના સુઝાવો અને સુચનો પણ આવકાર્ય છે.
વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે
કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઈટ્રોજન અને મિથેન ગેસ વધે છે. કાર્બન ડાયોક્સાઈડએ વૃક્ષોનો ખોરાક છે અને ઓક્સિજન એ આપણો ખોરાક છે ત્યારે વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું ત્રણ વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરિય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વરભક્તિ નથી. તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજયપાલએ પોતે લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પધ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.
1,337.92 કરોડની બચત થશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.