ભાજપનું મિશન ‘સિંગલ ડિજિટ’: લોકસભામાં હેટ્રિક પૂરી કરવા આ છે માસ્ટરપ્લાન, હવે આ નેતા લાઈનમાં
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે ચાલી રહેલું ઓપરેશન લોટસ હાલમાં જોરમાં છે. આજે ઉત્તર ગુજરાતમાંથી સી જે ચાવડા અને નાથાલાલ પટેલ ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
નવી દિલ્લીઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના મિશન “સિંગલ ડિજિટ” અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હવે ભાજપમાં જોડાવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના આ પૂર્વ અધ્યક્ષે ભાજપમાં જોડાવવા માટે પોતાના માટે રાજ્યસભાની બેઠક અને તેમના ભાઈ માટે વિધાનસભા બેઠકની વિનંતી કરી છે. તેમના ભાઈની સીટ કન્ફર્મ ન થઈ હોવાથી વાટાઘાટોમાં આખરે તિરાડ પડી ગઈ છે.
જો કે, સૂત્રોનો દાવો છે કે રાહુલ ગાંધીની "ભારત જોડો ન્યાય યાત્રા" ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ રાજકારણી હજુ પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ માટે સમય અને મુહૂર્ત જોવાઈ રહ્યું છે. આજે મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના પૂર્વ સીએમ અશોક ચવ્હાણનું રાજીનામું પડ્યું છે અને બીજા 10થી 12 ધારાસભ્યો રાજીનામા આપે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં પણ નેતાઓ લાલજાજમ પથરાય એની રાહ જોઈને બેઠા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી નવા ચહેરા-
27 ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો લગભગ નક્કી થઈ ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી જશે. કોંગ્રેસે પહેલાંથી જ હાર માની લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ 14 ફેબ્રુઆરીએ ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાની યોજના ધરાવે છે. અમિત શાહ 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે છે ત્યારે ચાર ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાજ્યસભા માટે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે એક ઉમેદવાર પેરાશૂટ હશે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાઓની પણ જાહેરાત થઈ શકે છે. ભાજપ માંડવિયા અને રૂપાલાને લોકસભા લડાવે તેવી સંભાવના છે.
મિશન 'ગાંવ ચલો' પર ભાજપનું ધ્યાન-
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવા માટે નવી વ્યૂહરચના ઘડી છે અને જીતની હેટ્રિક પૂરી કરવા માટે કમરકસી છે. આ વખતે ભાજપ પાંચ લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતવા માટે ગ્રામીણ પર વધુ ફોકસ કરી રહ્યું છે. ગુજરાતમાં 10 અને 11 ફેબ્રુઆરીના રોજ “ગાંવ ચલો” ની શરૂઆત થઈ છે. જેને પગલે ભાજપના અધિકારીઓ, મંત્રીઓ, નેતાઓ અને મુખ્યમંત્રીએ ગામડાઓની મુલાકાત લીધી અને ત્યાં રાત વિતાવી છે. તેમના રોકાણ દરમિયાન ભાજપના નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. ભાજપનો દાવો છે કે આ અભિયાન દરમિયાન 29,165 કાર્યકરો અને 27,535 કન્વીનરોએ 41 જિલ્લાઓ અને મહાનગરોની મુલાકાત લીધી હતી.