ઝી બ્યૂરો, અમદાવાદઃ દિન-પ્રતિદિન ચોરીનું અને ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. એવું પણ કહેવાય છેકે, જ્યાં લોભિયા વસતા હોય ત્યાં ધુતારા ભુખે નથી મરતા. કંઈક આવી જ ઘટના એક ચોરની કહાનીમાં જોવા મળી. જે મોંઘી ટિકિટ ખર્ચીને મુંબઈથી ગુજરાત આવતો અને વિવિધ શહેરોમાં હાઈફાઈ હોટલોમાં રૂમ રાખીને રહેતો અને ત્યાર બાદ જેતે શહેરના પોશ વિસ્તારમાં જઈને જેતે ઘરને ટાર્ગેટ બનાવીને રૂપિયા-દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતો. ગાંધીનગરના શાહપુરમાંથી 38 લાખની મતા ચોરનાર હાઈપ્રોફાઈલ ચોર આખરે મહારાષ્ટ્રથી ઝડપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેનમાં આવીને ચોરી કરતો હાઈપ્રોફાઈલ ચોરઃ
ગાંધીનગર તાલુકાના શાહપુરમાં ૩૮ લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો તેની સાથે અનેક સનસનીભરી વિગતો સામે આવી છે. જે જાણી પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. આ હાઈફાઈ ચોર મુંબઈથી ચોરી કરવા બાય પ્લેન ગુજરાત આવતો અને ચોરી પણ નાની સૂની નહી, લાખોમાં જ હાથ મારતો હતો. 


મોંધી હોટલોમાં રોકાતો હતો હાઈપ્રોફાઈલ ચોરઃ
મોંઘી-મોંઘી હોટલોમાં ઉતરતો અને મુંબઈમાં પણ તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો હોવાની વિગતો જાણીને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ છે. આરોપી સામે મહારાષ્ટ્રમાં ૩૩ જેટલા ગુના નોંધાયેલા છે, ગુજરાતમાં ઘણાં સ્થળે ચોરી કર્યાનું ખુલે તેવી શક્યતા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત, નવસારી સહિતના શહેરોમાં હાઈફાઈ હોટલોમાં આ ચોર કરી ચુક્યો છે રોકાણ. મોટી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતો હતો. રાત્રે કે દિવસે જ્યારે મોકે મળે ત્યારે બારીનો કાંચ તોડીને ઘરમાં કરતો હતો પ્રવેશ. મોંઘા સલુનમાં પોતાના ફેસ અને વાળની ટ્રીટમેન્ટ કરાવતો હતો ચોર. વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો હતો આ ચોર.


ગાંધીનગરમાં લાખોની મતા પર ગઠિયાએ ફેરવ્યો હાથઃ
ગાંધીનગરના શાહપુર વિસ્તારના વિધાતા બંગ્લોઝ નંબર-૯૦૯ ખાતે ૨૨ દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. ૩૮.૧૫ લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. એલસીબી-૧ની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મુંબઈના ચેતન માનીકરાવ થુલકરનું (રહે-જમશેદજી ટાટા રોડ) નામ સામે આવ્યું હતું. જેના આધારે એલસીબી-૧ ટીમ મુંબઈ પહોંચી હતી અને આરોપી મહારાષ્ટ્રના વર્ધામાં હોવાની બાતમીના આધારે ત્યાંથી દબોચી લીધો હતો. આરોપી પાસેથી પોલીસે કુલ ૮૩.૧૦ લાખના દાગીના, ૧૫.૮૭ લાખ રોકડા અને ૫ હજારનો ફોન મળી કુલ ૯૯.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.