બેન્ડબાજા-આતશબાજી સાથે અંતિમ વિદાય! આ ગુજરાતીની સ્મશાનયાત્રામાં સર્જાયો મેળા જેવો માહોલ
અનોખી અંતિમ યાત્રા! 2 માસ પહેલાં મોટા ભાઇનું અવસાન થતાં લોકોએ કહ્યું હતું, રામ-લક્ષ્મણની જોડી તૂટી. ગઈકાલે આ વટવાળા ગુજરાતીના નિધન પર આખા વિસ્તારમાંથી પબ્લિક અંતિમ દર્શન માટે ઉમટી હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર સમાજમાં એવા દ્રશ્યો જોવા મળતા હોય છે જેને જોઈને તમને પણ અચરજ થાય. જે દ્રશ્યો જીવને જોવાનો, જાણવાનો અને માણવાનો એક અલગ નજરિયો આપી જાય છે. આવું જ એક સુંદર દ્રશ્ય હમણાં સંસ્કારી નગરી વડોદરામાં જોવા મળ્યું. જ્યાં એક 75 વર્ષના દાદાના નિધન પર તેમને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી. બેન્ડબાજા અને આતિશબાજી સાથે શાનથી નીકળી હતી આ દાદાની અંતિમ યાત્રા. આ કિસ્સો છે રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલાં ફતેપુરા વિસ્તારનો. ફતેપુરાના પરિવારે અંતિમ વિદાયને ઉત્સવ બનાવ્યો, વૃદ્ધના નિધન બાદ બેન્ડવાજા-આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી...
ફતેપુરાના કુંભારવાડામાં રહેતા 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણનું અવસાન થતાં મંગળવારે પરિવાર અને સમાજે બેન્ડવાજા-આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી હતી. અંતિમયાત્રા ફતેપુરાથી ખાસવાડી સ્મશાને પહોંચી હતી. જેમાં 500થી વધુ લોકો જોડાયા હતા. સ્વ.નવઘણભાઈના મોટા ભાઈ ભીખાભાઈ ચૌહાણનું 2 માસ પૂર્વે અવસાન થયું હતું. નવઘણભાઈ તેમનું અવસાન સહન કરી શક્યા ન હતા. વિસ્તારમાં નવઘણભાઈ અને ભીખાભાઈની જોડી રામ-લક્ષ્મણની જેમ મનાતી હતી.
સમાજના અગ્રણીઓએ કહ્યું કે, બંને ભાઈ સમાજ માટે પ્રેરણારૂપ હતા. બંનેએ સમાજ માટે કરેલા કાર્યોને સમાજ ભૂલી શકે એમ નથી. બંને ભાઇ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો. તેઓ રોજ સાથે જ બેસીને જમતા અને એકબીજાની હૂંફ બનીને રહેતા હતા. જોકે 2 માસ પૂર્વે મોટા ભાઈનું અવસાન થતાં નવઘણભાઈ તેનો આઘાત સહન કરી શક્યા નહોતા. સતત તેમને યાદ કરતા હતા. તેમના મોટા ભાઈની અંતિમ યાત્રા પણ આ રીતે જ વાજતે-ગાજતે કઢાઈ હતી.
ફતેપુરા ખાતેથી વાજતે-ગાજતે નીકળેલી અંતિમયાત્રાને જોવા લોકોના ટોળાં ઊમટ્યાં હતાં. એટલું જ નહીં અંતિમ યાત્રા વેળા રસ્તાની બંને બાજુ ઊભા રહી લોકોએ શ્રદ્ધાંજલિ આપી. ઘરઆંગણેથી વાજતે-ગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાંપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રાને જોવા માટે રસ્તાની બંને તરફ લોકો ઊભા રહ્યાં હતાં અને નવઘણભાઇને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.