સરકારના જાહેરનામા છતાં મજૂર સાથે માલિકોની મનમાની! જાણો કોણ મારી રહ્યું છે મજૂરોના હક પર કટકી
ગણદેવી સુગર દ્વારા મજૂરોની પ્રતિ ટન મજૂરીમાં હાલ ફકત 25 રૂપિયાનો વધારો આપતા મજૂર અધિકાર મંચના સભ્યો સાથે કોયતા મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
નવસારીઃ હિન્દી ફિલ્મનો વર્ષો જૂનો અમિતભા બચ્ચનનો ડાયલોગ તમને યાદ તો જરૂર હશે, જેમાં તે કહે છેકે, મજદૂર કા પસીના સુકને સે પહેલો ઉસકો ઉસકી મજદૂરી ઉસકે હકક કે પૈસે મલ જાને ચાહીએ. જોકે, જ્યારે જ્યારે પણ આવું નથી થતું ત્યારે સમસ્યા ઉભી થાય છે. અને ત્યારે લોકોએ ન્યાય માટે ગુહાર લગાવવી પડે છે. કંઈક આવું જ બન્યું છે રાજ્યના નવસારી જિલ્લામાં રહેતાં અને શેરડી કાપવાનું કામ કરતા મજૂરો સાથે. જેના નક્કી કરાયેલાં વેતનમાંથી કટકી કોણ મારી રહ્યું છે તે પણ જાણો.
નવસારીમાં શેરડી કાપતા મજૂરોને સરકારી લઘુત્તમ મજૂરી આપવા મજૂર અધિકાર મંચે માગ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુગર ફેકટરીઓમાં શેરડી કાપવા આવતા મજૂરોની પ્રતિ દિવસ મજૂરીમાં સરકારે વધારો કર્યો હોવા છતાં ગણદેવી સુગર ફેકટરી દ્વારા પ્રતિ ટન 126 રૂપિયા ઓછા આપ્યાની ફરિયાદ ઉઠી છે. ત્યારે મજૂર અધિકાર મંચ સાથે કોયતાં મજૂરોએ વિરોધ નોંધાવ્યો.
અત્યાર સુધી કોયતા મજૂરોની પ્રતિ ટન શેરડી કાપણી, બાંધણી અને વાહનમાં ચઢાવવા સાથેની કુલ મજૂરી 325 રૂપિયા હતી. જેમાં ગુજરાત સરકારે એપ્રિલ 2023થી પ્રતિ ટન શેરડીની લઘુત્તમ મજૂરી 476 રૂપિયા જાહેર કરી છે. પરંતુ ગણદેવી સુગર દ્વારા મજૂરોની પ્રતિ ટન મજૂરીમાં હાલ ફકત 25 રૂપિયાનો વધારો આપતા મજૂર અધિકાર મંચના સભ્યો સાથે કોયતા મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તો સરકાર દ્વારા પ્રતિ ટન શેરડી મજૂરીમાં કરાયેલા વધારાના જાહેરનામાં મુદ્દે ગણદેવી સુગર ફેક્ટરીના સંબંધિતોએ ટેકનિકલ મુદ્દો ગણાવી, ફેડરેશન અને બોર્ડમાં લીધા બાદ મજૂરોના હિતમાં નિર્ણય કરવાનું આશ્વાસન આપ્યું છે.