રાજ્યસભાનું રાજકારણ! ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ ચૂંટણી લડ્યા વિના જ થઈ જશે બહાર
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા જ નહીં મળે. આવી પરિસ્થિતિ કેમ ઉભી થઈ છે અને આગળ શું થઈ શકે છે એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે.
Gujarat Rajayasabha Election/ ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણીઓના ભણકારા શરૂ થઈ ગયા છે. જોકે, આ ચૂંટણી કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભા જેટલી રોચક નથી હોતી. કારણકે, આની અંદર પબ્લિકનું સીધું ઈન્વોલ્વમેન્ટ નથી હોતું. આમા જે મતદાર હોય છે એ ચૂંટાયેલાં પ્રતિનિધિઓ હોય છે. તેથી આ ચૂંટણી એક અલગ પ્રકારની ચૂંટણી છે. જોકે, તેમ છતાં રાજકીય રીતે અને સરકારની દ્રષ્ટીએ આ ચૂંટણીનું પણ વિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છેકે, આગામી ઓગષ્ટમાં ગુજરાતમાં રાજ્યસભાના 3 સાંસદોની ટર્મ પુરી થઈ રહી છે. પણ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બનશે કે, કોંગ્રેસ આ વખતે રાજ્યસભાની ચૂંટણી લડ્યા વિના જ બહાર થઈ જશે.
ગુજરાત રાજ્યસભા ચૂંટણીનો બદલાશે ઈતિહાસઃ
આગામી ઓગષ્ટમાં રાજ્યસભાના ત્રણ સાંસદોની મુદત પૂર્ણ થઇ રહી છે. જોકે, કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછુ હોવાથી ત્રણેય બેઠકો ભાજપને ફાળે જશે. જોકે, ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર એવુ બનશેકે, કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી જ લડવા નહી મળે. કારણકે, કોંગ્રેસ પાસે પુરતુ સંખ્યા બળ જ નથી.
ક્યા સાંસદની મુદત ક્યારે પૂરી થશે?
સાંસદ પક્ષ ક્યારે મુદત પૂરી થશે?
એસ. યશંકર ભાજપ 18 ઓગસ્ટ, 2023
જુગલજી ઠાકોર ભાજપ 18 ઓગસ્ટ, 2023
દિનેશચંદ્ર અનાવડિયા ભાજપ 18 ઓગસ્ટ, 2023
પરસોત્તમ રૂપાલા ભાજપ 2 એપ્રિલ, 2024
મનસુખ માંડવિયા ભાજપ 2 એપ્રિલ, 2024
અમી યાજ્ઞિક કોંગ્રેસ 2 એપ્રિલ, 2024
નારણભાઇ રાઠવા કોંગ્રેસ 2 એપ્રિલ, 2024
રામભાઇ મોકરિયા ભાજપ 21 જૂન, 2026
રમીલાબહેન બારા ભાજપ 21 જૂન, 2026
નરહરિ અમીન ભાજપ 21 જૂન, 2026
શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ 21 જૂન, 2026
કેવા છે રાજ્યસભાના સમીકરણો?
હાલની સ્થિતિએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી લડવા માટે 45 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. એ મુજબ પાંચ વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં રાજ્યસભાની એકેય બેઠક નહીં મેળવે.
હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતીને જોતા રાજ્યસભાની ચૂંટણીનુ અંકગણિત માંડીએ તો ૧૮૨ બેઠકો આધારે ઓછામાં ઓછા ૪૫ ધારાસભ્યો હોવા જરૂરી છે. જયારે કોંગ્રેસ પાસે માત્ર ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ જોતાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા નહિવત છે.
આગામી 5 વર્ષ કોંગ્રેસને નહીં મળે મોકોઃ
ગુજરાતમાં જે પ્રકારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સાવ ઓછું છે એ જોતા તેમને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યસભા ચૂંટણીમાં મોકો જ નહીં મળે. ટેકનિકલી જોવા જાવ તો આંકડા એ દિશામાં ઈશારો કરે છેકે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસને રાજ્યસભામાં એકેય બેઠક મળશે નહીં.
કોંગ્રેસના હાથમાંથી આ બેઠકો પણ જશેઃ
એપ્રિલ- ૨૪માં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થશે જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આ બે બેઠકથી પણ હાથ ધોઇ નાંખવા પડશે.
ક્યારે થશે રાજ્યસભાની ચૂંટણી?
ગુજરાતના રાજ્યસભાના 3 સાંસદની ટર્મ પુરી થઈ રહી છે. જેને પગલે આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે.
ગુજરાત રાજ્યસભાનું ગણિતઃ
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે. હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો માંથી 8 ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપના 2 અને કોંગ્રેસના 2 મળીને અન્ય ચાર સાંસદોની મુદત એપ્રિલ-2024માં પૂરી થવાની છે. જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે.
ભાજપના આ 3 સાંસદોની ટર્મ ઓગસ્ટમાં થઈ રહી છે પુરીઃ
1) એસ. જયશંકર
2) જુગલજી ઠાકોર
3) દિનેશચંદ્ર અનાવડિયા
રાજ્યસભામાં ગુજરાતના ૩ સાંસદોની મુદત પૂરી થઈ રહી છે. જેમાં ૬ઠ્ઠી જુલાઈ-૨૦૧૯માં રાજ્યસભામાં ભાજપના સભ્ય તરીકે ચૂંટાયેલા (૧) એસ. જયશંકર (૨) જુગલજી ઠાકોર અને (૩) દિનેશચંદ્ર અનાવડિયાની મુદત ૧૮મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ પૂરી થશે. અર્થાત તે અગાઉ રાજ્યસભાની ગુજરાતની ૩ બેઠકો માટે ચૂંટણી થશે. આ ચૂંટણીમાં ધારાસભ્યોને વોટ આપવાનો અધિકાર હોવાથી અને ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસની સભ્ય સંખ્યા જોતા આ ત્રણેય બેઠકો ફરીથી ભાજપ હાંસલ કરશે. સંભવતઃ ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ભાજપ બે નવા ચહેરાઓને સ્થાન આપશે. જ્યારે કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરનું સ્થાન ફરી નિશ્ચિંત માનવામાં આવે છે.
રાજ્યસભાનું માળખુંઃ
બંધારણ પ્રમાણે દેશમાં રાજ્યસભાની કુલ 250 બેઠકો છે. એટલેકે, કુલ 250 લોકો રાજ્યસભાના સાંસદ છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે. આ સાંસદોની મુદત ૬ વર્ષની હોય છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકોમાંથી ભાજપ પાસે ૮ અને કોંગ્રેસ પાસે ૩ બેઠકો છે.