હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં વઘતા જતા માર્ગ અકસ્માતને રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે નાનપણથી જ બાળકોમાં માર્ગ સલામતી અંગે સજાગતા આવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, અકસ્માતોને અટકાવવા માટે બાળકોમાં રોડ સેફ્ટીની જાગૃતિ હોવી જરૂરી છે. જે આશયથી આગામી સત્રથી ધોરણ 6થી 12માં ક્રમશ માર્ગ સલામતી અંગે અભ્યાસ કરાવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર ખાતે બુધવારે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વડપણમાં મળી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં રાજ્ય રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, તેમ છતાં એક બાબત સારી એ છેકે, છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોમાં ઘટાડો થયો છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 44 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.


આગામી શૈક્ષણિક સત્રથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ સલામતીના પાઠ ભણાવવામાં આવશે. રાજ્યના સરખેજ-ગાંધીનગર, ભરૂચ-સુરત તથા અમદાવાદ-રાજકોટ હાઈવેને માર્ગ સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચન કરાયું હતું. અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરાશે. રોડ સેફ્ટી અવેરનેસ સહિતના કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવામાં આવશે.


વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫-ઈ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડિનેશન તથા રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે સારી કામગીરી થઈ રહી છે. ભવિષ્યમાં બાયસેગના માધ્યમથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ સલામતી બાબતે જાગૃત કરવામાં આવશે.


આગામી વર્ષથી ધો.૬થી ૧૨માં ક્રમશઃ માર્ગ સલામતી અંગે પ્રકરણ દાખલ કરાશે. રોડ સેફ્ટી ઓથોરિટી તથા સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં કામગીરી કરવામાં આવી છે.