દશેરાએ ઘોડો દોડ્યો! અમદાવાદમાં આજે 6 હજારથી વધુ ટુ વ્હીલર અને અઢી હજારથી વધુ ગાડીઓ વેચાઈ
માર્ચ 2020થી કોરોનાનો કહેર શરૂ થયો હતો. આ દરમિયાન તમામ સેક્ટરમાં સ્થિતિ વિકટ બની હતી. ઓટોમોબાઈલ સેક્ટર પણ એકદમ થંભી ગયું હતું. ત્યારે 2022માં કોરોનાનું સંક્રમણ અટકતાં હવે બજાર ખુલ્યું છે. ઓટોમોબાઈલ સેક્ટરની ગાડી પણ પાટે ચડી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ દશેરાનો દિવસએ અસત્ય પર સત્યની જીતનો પર્વ છે. આજના દિવસને દરેક બાબત માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે ઘણાં લોકો ઘરેણાં, વાહન અને ઘરની ખરીદી માટે આજના દિવસની રાહ જોતા હોય છે. રોકેટગતિએ વિકસતા અમદાવાદમાં સતત વાહનોની માંગ પણ વધી રહી છે. આજના વાહનોના વેચાણનો આંકડો એ વાતનો સીધો પુરાવો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે અમદાવાદમાં 6 હજાર કરતા વધારે ટુ વ્હીલર અને અઢી હજાર જેટલી કારનું વેચાણ થયું છે.
માર્ચ 2020થી કોરોનાનો કહેર શરૂ થયો હતો. આ દરમિયાન તમામ સેક્ટરમાં સ્થિતિ વિકટ બની હતી. ઓટોમોબાઈલ સેક્ટર પણ એકદમ થંભી ગયું હતું. ત્યારે 2022માં કોરોનાનું સંક્રમણ અટકતાં હવે બજાર ખુલ્યું છે. ઓટોમોબાઈલ સેક્ટરની ગાડી પણ પાટે ચડી છે. આ વખતની નવરાત્રીમાં વાહનોનું વેચાણ 2020 કરતાં વધ્યું છે. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. પ્રાપ્ત આંકડા મુજબ બપોર સુધીમાં માત્ર અમદાવાદ શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે.
વાહનોના વેચાણમાં ધરખમ વધારોઃ
અમદાવાદમાં ટુ વ્હીલ અને ફોર વ્હીલ વાહનોના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે વાહનોનું વેચાણ ખૂબ વધ્યું છે. વાહનોના શો-રૂમમાં ભીડ જોવા મળી હતી. દશેરાએ શસ્ત્રપૂજા અને વાહનોની પણ પૂજા કરવામાં આવે છે. વળી નવા વાહનોની ખરીદી માટે પણ ખરીદારો આ જ દિવસ પસંદ કરતા હોય છે.
પેટ્રોલના ભાવ વધતા ઈલેક્ટ્રીક વાહનનું વેચાણ વધ્યુંઃ
નવરાત્રીમાં પણ લોકો વાહનોની ખરીદી કરતા હોય છે. જેથી નવરાત્રીથી લઈને આજે દશેરા સુધીમાં પણ વાહનોનું વેચાણ વધ્યું છે. આજે દશેરા સુધીમાં 11,500 જેટલા 2 વ્હીલર અને 3500 ફોર વ્હીલર વેચાયા છે. ઈલેક્ટ્રીક વહીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડો વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જેનું કારણ ઈલેક્ટ્રીક વહીકલમાં ફાયર થવાના બનાવો વધતા હવે વેચાણ થોડું ઘટ્યું છે.