હાર્દિકનો હુંકાર! `કોંગ્રેસના પાપે મુનસર તળાવમાં ભેંસો તરે છે, હું MLA બનીને વિરમગામનો વિકાસ કરીશ`
મુનસર તળાવ બન્યુ ભેંસતર તળાવ! હાર્દિક પટેલના હોમગ્રાઉન્ડ વિરમગામમાં વારસાની અવદશા, કરોડોની ગ્રાન્ટ છતાં ઐતિહાસિક સ્થાપત્યની અવદશા કેમ? પુરાતત્ત્વ વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા છતાં તળાવમાં ભેંસો આરામ ફરમાવી રહી છે. હાર્દિકનો હુંકાર હું અહીંથી ચૂંટણી જીતીને વિરમગામનો એવો વિકાસ કરીશ કે તેને તાલુકામાંથી જિલ્લો બનાવી દઈશ. લોકો કાંકરિયાને ભૂલીને મુનસર આવશે.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક બેઠકો પર સ્થાનિક પ્રશ્નો પણ પડકાર બનીને સામે આવી રહ્યાં છે. એવામાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર ઐતિહાસિક વારસાની અવદશાની વરવી તસવીર સામે આવી. વિરમગામમાં આવેલું ઐતિહાસિક મુનસર તળાવ એક સમયે ત્યાંની ઓળખ હતું આજે અહીં ભેંસો તરે છે. હાલ વિરમગામનું ઐતિહાસિક તળાવ ધણીધોરી વિનાનું બની ગયું છે, જ્યાં રોજ ભેંસો ન્હાય છે. એવામાં મુનસર તળાવ આ વખતે વિધાનસભામાં વિરમગામ બેઠક માટે ચૂંટણીનો મુદ્દો બનીને ઉભરી રહ્યો છે.
મુનસર તળાવના ઈતિહાસ વિશે જાણોઃ
ઐતિહાસિક મુનસર તળાવ વિશે એવી લોકવાયકા છેકે, વિરમગામના રાજવી મીનળદેવી દ્વારા આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. આ તળાવ સ્થાપત્યની દ્રષ્ટિએ ચારે દિશાએ બેનમૂન પથ્થરની કલાત્મક 365 દેરીઓ સહિત ઉગમણી દિશાએ મુનસરી માતાનુ મંદિર તેમજ ચારે દિશાએ પથ્થરના પગથિયાંથી અતિ સુંદર દેખાતું હતું. હાલમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. પુરાતત્વ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મુનસર તળાવના વિકાસ માટે ફાળવવામાં આવી છે.
કોંગ્રેસ સાથે છેડાફાડીને ભાજપમાં જોડાયેલાં હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યુંકે, વિરમગામથી ચૂંટણી લડવાની મારી પ્રબળ ઈચ્છા છે. મેં આખું ભારત ફરી લીધું છે, હું બહુ મોટો નેતા પણ બની ગયો છું. હવે મારે મારા ગામની ઓળખ બનાવવાની છે. હવે મારે મારી જન્મભૂમિ વિરમગામનું રૂણ ચુકવવાનું છે. વિરમગામથી વિધાનસભા લડવાની મારી ઈચ્છા છે. ભાજપ મને અહીંથી ટીકિટ આપશે તો હું વિરમગામનો જબરદસ્ત વિકાસ કરીને તેને તાલુકામાંથી જિલ્લો બનાવી દઈશ. વિરમગામ મારું હોમ ગ્રાઉન્ડ છે, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરીશ. હું અહીંથી ચૂંટણી લડીશ તો જરૂર જીતીશ.
કોના પાપે ઐતિહાસિક મુનસર તળાવમાં તરે છે ભેંસો?
હાર્દિક પટેલે જણાવ્યુંકે, જ્યારથી વિરમગામ વિધાનસભામાં કોંગ્રેસ સત્તામાં આવ્યું છે ત્યારથી અહીંનો વિકાસ રૂંધાઈ ગયો છે. કોંગ્રેસના કારણે અહીંના ઐતિહાસિક મુનસર તળાવની અવદશા થઈ છે. સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના પાપે અહીંના ઐતિહાસિક મુનસર તળાવમાં હાલ ભેંસો તરે છે.
'અમદાવાદ 600 જ્યારે વિરમગામ 1200 વર્ષ જુનું છે'
હાર્દિક પટેલે જણાવ્યુંકે, અમદાવાદ તો માત્ર 600 વર્ષ જૂનું છે, જ્યારે વિરમગામતો 1200 વર્ષ જુનું છે. એક પ્રકારે વિરમગામએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોટું જંક્શન છે ગુજરાત માટે પ્રવેશ દ્વાર છે. કડી અને વિરમગામ એક સાથે તાલુકા જ બન્યા, આજે કડી ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું અને વિરમગામની દશા બેઠી છે. અહીંની દરેક સમસ્યાના મૂળમાં કોંગ્રેસ છે.
'કાંકરિયાને ભૂલીને લોકો મુનસર આવે એવું કરી દઈશ'
હાર્દિક પટેલે જણાવ્યુંકે, મુનસર તળાવ સાથે લોકોની આસ્થા અને અપેક્ષાઓ જોડાયેલી છે. હું નાનો હતો ત્યારે અહીં સરસ મેળો પણ ભરાતો હતો. પણ અહીં કોંગ્રેસની સત્તા આવી ત્યારથી એની અવદશા થઈ છે. જો હું અહીંથી જીતીને સત્તામાં આવીશ તો વિરમગામના મુનસર તળાવને એવું શાનદાર બનાવી દઈશ તે લોકો કાંકરિયાને ભૂલી જશે.
હજુ હાર્દિકે વિધાનસભામાં પગ પણ મુક્યો નથી, પહેલાં મેદાનમાં તો આવે: લાખાભાઈ ભરવાડ, MLA, વિરમગામ
વિરમગામ બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સમગ્ર મામલે વાત કરતા જણાવે છેકે, હજુ તો હાર્દિકે વિધાનસભામાં પગ પણ મુક્યો નથી પહેલાં મેદાનમાં તો આવે. હાર્દિક તો ભાજપમાં ગયો એટલે હવે કોંગ્રેસ વિશે બોલશે. મને મારા કામ પર પુરો વિશ્વાસ છે, હાર્દિક આવે કે સામે કોઈપણ આવે હું જ જીતીશ. કોંગ્રેસનું કામ બોલે છે. મનસુર તળાવના વિકાસ માટે મેં ઘણીવાર વિધાનસભામાં પણ રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી. તેની દેખરેખની જવાબદારી ધારાસભ્ય નહીં પણ કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર અને ગુજરાત અને નગરપાલિકા સહિતના લોકલ લેવલે પણ ભાજપની સત્તા છે છતાં સમસ્યાનું નિરાકરણ કરતા નથી.
સ્થાનિકોએ જણાવ્યુંકે, વિરમગામની ઐતિહાસિક ધરોહર પ્રત્યે રાજકારણીઓની ઉદાસીનતાને કારણે મુનસર તળાવ હવે ભેંસતર તળાવ બની ગયું છે. જ્યાં ભેંસો તરતી જોવા મળે છે. મુનસર તળાવમાં પણ ઠેર-ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ખડું થઈ ગયુ છે. તળાવનું સ્તર પણ 15 ફૂટ જેટલું ઉંડુ ઊતરી ગયેલું છે. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છેકે, વિરમગામના સંસદ સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકા સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય સહિતના કોઈપણ રાજકીય આગેવાનો અહીંના વિકાસમાં રસ નથી લઈ રહ્યાં બધા પોતાના રાજકીય રોટલા શેકે છે. સ્થાનિકોની માગ છેકે, જે પક્ષ આ ઐતિહાસિક વારસાને સાચવવાની બાંયેધરી આપશે અને અહીંના ગટર સહિતના પાયાના પ્રશ્નોનો ઉકેલ આપશે આ વખતે જનતાનો સાથ તેને મળશે. એજ કારણ છેકે, હવે મુનસરના નામે મેદાન-એ-જંગ શરૂ થઈ ગયો છે.
વિરમગામના રસ્તા, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, વરસાદી ગટર, ગેરકાયદે દબાણો સહિતના પ્રશ્નો દિનપ્રતિદિન વધતા જાય છે. એમાંય કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં મુનસર તળાવ જેવી શહેરની ધરોહર પ્રત્યે રાજકારણીઓની ઉદાસીનતાને કારણે પણ પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ એજ વિરામગામ છે જ્યાંથી હાર્દિક પટેલ ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે, શું હાર્દિક પટેલ હોમગ્રાઉન્ડમાં ચૂંટણી લડીને ધારાસભ્ય બનીને આ ઐતિહાસિક વારસાની જાળવણી કરશે? આ વાત હવે જો અને તો પર છે, પણ વર્તમાન સમયની નરી વાસ્તવિકતા તો એ જ છેકે, હાલ તો આ ઐતિહાસિક તળાવમાં ભેંસો તરી રહી છે....