ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે. ત્યારે રાજ્યસભાની ખાલી પડેનારી ત્રણ પૈકી એક સીટ પર તો વિદેશ મંત્રી એસ.જયશંકરને રિપીટ કરવાનું નક્કી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બાકીને બે બેઠકો પર ભાજપ કોને મોકો આપશે તે અંગે નજીકના સમયમાં નિર્ણય લેવાશે. એવું પણ માનવામાં આવે છેકે, ત્યાર બાદ જ ભાજપ કેન્દ્રીય કેબિનેટના વિસ્તરમાં ગુજરાતમાંથી કોને તક આપવી એ અંગે ફોડ પાડશે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાત ભાજપને એક અલગ ઉંચાઈ સુધી પહોંચાડનારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રમોશન નક્કી માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રેકોર્ડ તોડીને ભાજપને 156 બેઠકો પર જીત અપાવનાર સી.આર.પાટીલ. મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું લગભગ નક્કી માનવામાં આવે છે. પાટીલના અનુગામી અંગે હાલ અવઢવની સ્થિતિ હોવાનું ચર્ચામાં છે. જોકે, પાટીલ મામલે આખરી નિર્ણય તો પીએમ મોદી અને અમિત શાહ જ લેશે.


હાલ ગુજરાતના રાજકીય સમીકરણોમાં ભારી પરિમાણોને મંડાયા છે. રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે, પાટીલને પ્રમોશન આપવામાં આવે તો ખાલી પડનારી જ્યા પર કોને તક આપવામાં આવશે. કમલમની કમાન ભાજપ કોને સોંપી શકે એ પણ એક મહત્ત્વનો સવાલ છે. ગુજરાતમાં ભાજપ કોને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે એમાં ઘણાં નામો ચર્ચામાં છે. જોકે, ભાજપની રણનીતિ હંમેશાથી એવી રહી છેકે, જે નામો ચર્ચામાં હોય તેને કોરાણે મુકીને ભાજપ એક નવું જ નામ લઈને આગળ આવે છે. આવખતે પણ આવું કંઈક થાય તો નવાઈ નહીં.


ઉલ્લેખનીય છેકે, આજે ગુજરાતનો પ્રભાર સંભાળી ચૂકેલા ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં છે. 7 જુલાઇએ પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે નવી દિલ્હી જશે એવી પણ ચર્ચા છે. પાટીલના કાર્યકાળમાં જ ગુજરાતભરમાં ભાજપનો ડંકો વાગ્યો છે. 3 વર્ષ પહેલાં પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપાઈ હતી. છેલ્લાં 3 વર્ષમાં પાટીલે વિવિધ ચૂંટણીઓ અને પક્ષના એજન્ડાઓ, સોંપાયેલાં કામો, મોવડી મંડળની અપેક્ષાઓ દરેક બાબતે પ્રશંસનીય કામગીરી કરી છે. હવે તેમને તેનું ફળ મળવા જઈ રહ્યું છે.