ગૌરવ દવે, રાજકોટઃ કોરોનાકાળ બાદ આવેલી નવરાત્રિમાં આ વખતે યુવા હૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે, ઘણાં એવા સ્થળો છે જ્યાં વર્ષોથી અનોખી રીતે અનોખી પરંપરાથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લામાં પણ છે. રાજકોટના રામનાથપરામાં વર્ષોથી વિશેષ રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. બદલાતા સમય સાથે નવરાત્રિનો ટ્રેન્ડ પણ સતત બદલાઈ રહ્યો છે. તેમ છતાં આજે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગીલા રાજકોટમાં રાસ-ગરબાની રંગત પણ કંઈક અલગ જ હોય છે. એમાંય વાત રાજકોટના રામનાથપરામાં તો વર્ષોથી અલગ પ્રકારે જ નવરાત્રિની ઉજવણી થતી આવી છે. રામનાથપરા વિસ્તારમાં અંબાજીનો એક પ્રાચીન ગઢ આવેલો છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યાં માઁ અંબાની સ્થાપ્ના કરવામાં આવેલી ત્યારથી જ આ ગરબી રમાડવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે માં અંબા ગઢમાથી ગરબી રમવા નીચે આવે છે જેથી વર્ષ 1947માં આઝાદી કાળમાં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું જે ત્યારથી લઈ આજ સુધી યથાવત છે.


એવું માનવામાં આવે છે કે ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે, તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતું. આ તમામ આયોજન 'જય અંબે' ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જોગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત કરે છે. આ ગરબીનાં હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ, મશાલ રાસ, સ્ટેચ્યુ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પ્રાચીન અને પ્રખ્યાત એવી ગરુડની ગરબી ખાતે આસ્થાથી દર્શન કરવાં માટે દર વર્ષે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. જયારે ગરબીમાં રમતી 37 બાળાઓ સાક્ષાત નારી શક્તિના દર્શન લોકોને કરાવે છે.