ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરાની કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સુવર્ણ અવસર આવ્યો છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ નવલખી મેદાન ખાતે આયોજીત ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’નું ઉદ્ઘાટન કરીને શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મને ખુલ્લું મૂક્યું છે. તા. ૧૫ માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાં કલાકારો આ મેળામાં લઈ રહ્યાં છે ભાગ?
આ મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવમાં રાજયના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના ૧૦૦ જેટલા કારીગરો તથા ઇ.ડી.આઈ.આઈ. હસ્તકલા સેતુ યોજનાના ૫૦, ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ૫૦, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. ના ૫૦ જેટલા વ્યકિતગત કારીગર/સંસ્થાઓએ ભાગ લીધો છે. આમ, કુલ ૨૫૦ જેટલા વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છિક સંસ્થાઓ/સ્વસહાય જૂથો/એન. જી. ઓ./સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન છે. જેમાં ૧૦ જેટલા જીવંત નિદર્શન-સહ-પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


હસ્તકળા મેળામાં મળશે કઈ કઈ વસ્તુઓ?
આ મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવનો સમય સવારના ૧૧.૦૦ કલાક થી રાત્રિના ૯.૦૦ કલાક સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ-હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, વાંસકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, ટાંગલીયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલપીસ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા, સંખેડા ફર્નિચર વિગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ- વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


હસ્તકલા ઉત્સવના આ ઉદ્ઘાટન સમારોહમાં મેયર પિન્કીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ,  ધારાસભ્યો યોગેશભાઈ પટેલ,  કેયુરભાઈ રોકડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દંડકસહિતના મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને અજોડ કલાને જીવંત નિહાળી હતી તેમજ સ્ટોલધારકો સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા.


મહત્વનું છે કે, ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ રાજયમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે. કારીગરોને' સીધું બજાર પુરું પાડવાના ઉમદા આશયથી વડોદરાની રસિક અને કલાપારખુ પ્રજાને આ ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’ ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી લેવા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.