રાજાનો રાજ્યાભિષેક હતોને ગાયક બીમાર પડ્યો, પછી એક છોકરાએ ગીત ગાયું અને વડોદરામાં દેશની પહેલી સંગીત શાળાના પાયા નખાયા
ઝી બ્યૂરો, અમદાવાદઃ સંગીતની માણસ પર ખૂબ જ અસર પડે છે. આ વાતના અનેક ઉદાહરણો આપણે ક્યાંકને ક્યાંક જોયા કે સાંભળ્યા હશે. અહીં વાત કરવામાં આવી રહી છે સંગીત શીખવાડતી સંસ્થાની. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એ હકીકત છે કે, દેશની સર્વપ્રથમ સંગીત શીખવાડતી સંસ્થા ગુજરાતમાં અને તે પણ વડોદરામાં શરૂ થઈ હતી.
ઇ.સ. 1886માં શરૂ થઈ દેશની પહેલી સંગીતની શૈક્ષણિક સંસ્થા. આ કોઈ સામાન્ય સંસ્થા નથી. અહીંથી અનેક દિગ્ગજો તાલિમ લઈને દેશ-દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. એક સમયે ગણતરીના વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ સંગીતની સંસ્થામાં આજે દેશ-વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા આવે છે.
કેવી રીતે સંગીતની સંસ્થાના પાયા રોપાયા?
ઇ.સ. 1875માં સયાજીરાવ ત્રીજાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મહારાષ્ટ્રથી ખાસ કિર્તનકાર અને ગાયકને બોલાવવામાં આવ્યા હતા. સયાજીરાવના રાજ્યાભિષેક દરમિયાન ગાયકની તબિયત લથડી અને ત્યારે તેની જગ્યા એક કિશોરે લીધી અને ગાવાનું શરૂ કર્યુ. કિશોરનું ગાન સાંભળીને સયાજીરાવ ખુશ થયા. રાજાને વિચાર આવ્યો કે આવા ગાયકોને તૈયાર કરીએ. રાજાના આ વિચાર સાથે વડોદરામાં રોપાયા સંગીતની શૈક્ષણિક સંસ્થાના પાયા.
ફેબ્રુઆરી 1886માં મહારાજા સયાજીરાવે પ્રોફેસર મૌલાબક્ષને તેડાવ્યા. મૌલાબક્ષ મૈસુરમાં સારા વાદક અને ગાયક હતા. તેઓ મૂળ હરિયાણાના ભિવાનીનાં હતા. પ્રોફેસર મૌલાબક્ષ સાથે વડોદરાના મહારાજે ગાયન શાળાની શરૂઆત કરાવી. આ નવા કામ માટે મૌલાબક્ષે સંગીતના પાઠ્યપુસ્તકો ગુજરાતી ભાષા અને દેવનાગરી લિપિમાં લખ્યા હતા. આ સંગીત શાળા સમય જતાં સુરસાગર તળાવ પાસેની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ બની. 1886માં કોલેજ ઓફ ઇન્ડિયન મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામેટિક્સ તરીકે ઓળખાતી કોલેજ ઈ.સ. 1984માં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તરીકે અસ્તિત્વમાં આવી. વડોદરાની સાથે સાથે આ સંગીત શાળા નવસારી, ડભોઈ, પાટણ અને અમરેલીમાં પણ તૈયાર કરવામાં આવી.
આ હસ્તીઓ તાલીમ લઈ ચૂક્યા છેઃ
વડોદરાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં આજે ગાયન, વાદન, નૃત્ય, એક્ટિંગ વગેરે જેવા કોર્સ શીખવાડવામાં આવે છે. વડોદરાની સંગીત શાળામાં લોકગાયક કિર્તીદાન ગઢવી, વત્સલા પાટીલ તાલીમ લઈ ચૂક્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ પોતાના એક્ટિંગ કરિયર માટે તાલીમ લેવા વડોદરા આવ્યા હતા. ઘર-ઘરમાં અંજલીભાભી તરીકે ફેમસ થયેલ નેહા મહેતાએ પણ વડોદરામાં તાલીમ લીધી હતી. સુપ્રસિદ્ધ ગઝલ ગાયિકા મિતાલી મુખર્જી, મ્યુઝિક ડાયરેક્ટર આસિત દેસાઈ, ફેમસ પ્લેબેક સિંગર સબ્બિર કુમાર, ગુજરાતી ફિલ્મોના મ્યુઝિક ડિરેક્ટર નિખિલ પાલકર પણ અહીં તાલીમ મેળવી ચૂક્યા છે.