Ambalal Patel: ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓનું જાણે ચક્ર જ ફરી ગયું છે. ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ વરસી રહ્યો છે. બદલાયેલા ફેરફારની માઠી અસર ધરતીપુત્રોને થઈ રહી છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે ત્યાં કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. સૌથી ખરાબ અસર કેસર કેરીને થઈ છે. ત્યારે જુઓ અન્નદાતાને પડેલા માવઠાના મારનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદ બાજી બગાડે તેવી સ્થિતિઃ
ગુજરાતની શાન અને ઓળખ કહેવાતી કેસર કેરી ખાવા માટે સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ તલપાપડ છે. પરંતુ કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડવાનો છે. કારણ કે જુઓ આ દ્રશ્યો....બદલાયેલા ઋતુચક્રને કારણે પડેલા માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારે પડેલા માવઠાથી કેસર કેરીના તૈયાર પાકમાં મોટી નુકસાની આવી છે. ભાવનગર અને વલસાડમાં કમોસમી વરસાદને કારણે જે થોડું ઘણું ફ્લાવરિંગ થયું હતું તે પણ આ વરસાદને કારણે બગડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જે થોડીગણી કેરી આવશે તેવી આશા સાથે બેસેલા ખેડૂતોને મોટો માર માવઠાએ માર્યો છે. 


કેરીના પાકને યોગ્ય ઠંડી અને યોગ્ય ગરમીને જરૂર પડે છે. પરંતુ આ વખતે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીના પાકને જરૂરી ઠંડી કે ગરમી ન પડી. તેના કારણે આંબા પર જોઈએ તે પ્રકારનો ફ્લાવરિંગ થયું ન હતું. મોટો ખર્ચ કરીને પણ ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે. કેરીની સાથે અન્ય પાકને પણ ભારે નુકસાન થયું છે.  ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે. 


મારે પડ્યો માવઠાનો મારઃ
માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે. ત્યાં હજુ વધુ માર પડે તેવી પણ સંભાવના છે. કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણનો સમાવેશ થાય છે. તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આ આગાહી કરાઈ છે. જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 


ક્યાં વરસાદની આગાહી-
ઉત્તર ગુજરાત 
મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ


ક્યાં વરસાદની આગાહી-
સૌરાષ્ટ્ર-કચ્છ  
દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, મોરબી, કચ્છ


ક્યાં વરસાદની આગાહી-
મધ્ય ગુજરાત  
અમદાવાદ, મહીસાગર, દાહોદ


ગુજરાતના ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનના લીધે ખેતરમાં ઉભો પાક વળી જવાની અને આંબાના પાક પર પણ અસર થવાની શક્યતા છે. તો વરસાદ પછી ઠંડી પડવાની આશંકા વ્યક્ત કરી છે. શિવરાત્રીની આસપાસ ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 14થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે. તો 21 માર્ચથી ગરમીમાં વધારો થઈ શકે છે.