ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્નના ગીતો વાગવાના હતા, જ્યાં ગણેશજી બેસાડવાના હતા, જ્યાં ઢોલ અને શરણાઈ વાગવાની હતી...પણ લગ્નસ્થળ પર કોઈજ આયોજન નહોતું. 113 જોડાઓ લગ્ન કરવા પહોંચ્યા તો, લગ્નના સ્થળ પર ખાલીખમ મેદાન દેખાયું...બધા વરઘોડા પોલીસ સ્ટેશને પહોંચ્યાં...આ કિસ્સો છે અમદાવાદનો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી આપણે સૌ કોઈએ લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડી થયાના કિસ્સા સાંભળ્યા છે. પરંતુ અમદાવાદમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે કેટલા નવયુગલોના લગ્નના કોડ રહ્યા છે અધૂરા અને કોણે કરી છે આ નવયુગલો સાથે છેતરપિંડી વિશે જાણીને તમે પણ ચોંકી જશો...


  • નવ યુગલોના સપના સાથે રમત 

  • લગ્ન કરવાના કોડ અધૂરા રહ્યા 

  • છેતરપિંડીનો ભોગ બન્યાં યુગલ 


જીહાં, જ્યાં લગ્નના ગીતો વાગવાના હતા, જ્યાં ગણેશજી બેસાડવાના હતા, જ્યાં ઢોલ અને શરણાઈ વાગવાની હતી. ત્યાં હવે પરિવારજનોને પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવાનો વારો આવી ગયો છે. સૌથી પહેલાં પોલીસ પકડમાં ઉભેલા આ નરાધમને જોઈ તમે પણ ચોંકી જશો. છેતરપિંડી કરનાર આ શખ્સ છે પ્રકાશ પરમાર નવ યુગલોના લગ્ન જીવનમાં પ્રકાશ પાડવાની જગ્યાએ આ નરાધમે અંધકાર કરી દીધો છે. જીહાં, કેમ કે પ્રકાશ પરમારે 113 યુગલોને લગ્નના તાંતણે બાંધવાના સપના બતાવીને અમદાવાદના વસ્ત્રાલમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યુ હતુ. જ્યારે લોકો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન સ્થળે પહોંચ્યા તો ત્યાં કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું જ ન હતું. 


આરોપી પ્રકાશ પરમાર હિન્દુ જન વિકાસ સેવા સંઘમાં ટ્રસ્ટી હોય, તેણે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં 113 જેટલા યુગલોએ યુગલ દીઠ 22 હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ તમામ તૈયારી સાથે લોકો લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી તેમની સાથે કોઈ રમત કરી ગયુ છે. આયોજકની ઓફિસે તપાસ કરી તો ત્યાં પણ તાળા મારેલા જોવા અંતે તમામ નવયુગલો અને પરિવારજનો અમરાઈવાડી પહોંચ્યા અને આયોજક પ્રકાસ પરમાર સામે ફરિયાદ નોંધાવી.


પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરીને તપાસ કરી તો ખુલાસો થયો કે આરોપીએ ગયા મહિને પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં ધાર્યા કરતા વધુ ખર્ચ ખર્ચ થઈ જતાં આ સમૂહ લગ્નનું આયોજન થઈ શકે તેમ ન હોવાથી આરોપીએ લોકો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે આરોપીએ આવી રીતે બીજા લોકો સાથે કોઈ છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.