Loksabha Election 2024: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતમાં પણ ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે. જોકે, કોંગ્રેસમાં ઘમાસાણ મચેલું છે કારણ કે પાર્ટીના 7 દિગ્ગજ નેતાઓએ તો ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના ડખાઓ બહાર આવ્યા છે પણ ભાજપમાં બધુ સમૂસુતરું નથી. બનાસકાંઠામાં ઉમેદવાર બદલવાની ચર્ચાઓ વચ્ચે શંકરભાઈ ચૌધરીની ગેરંટીએ હાલ પૂરતો વિવાદ અટકાવ્યો છે. તાજેતરમાં 3 દિવસ પહેલાં રાતે ભાજપની મળેલી કમિટીની બેઠકમાં 4 ઉમેદવારને બદલે 8 ઉમેદવારના નામની ચર્ચાઓ થઈ હતી પણ હાલ પૂરતું આ પ્રકરણમાં ઠંડું પાણી રેડી દેવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવાર સવારમાં જ ભાજપમાં ભડકો થયો છે. વડોદરામાં રંજનબેન ભટ્ટનું પત્તું કપાયું છે. રંજનબેન ભટ્ટે સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એની ગણતરીની મીનિટોમાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. હવે કોનો વારોએ ભાજપમાં ચર્ચાનો વિષય છે. ધવલ પટેલ સામે પણ પત્રિકાયુદ્ધ શરૂ થયું છે. જોકે, ભાજપે ખુલાસો કરી દીધો છે કે બનાસકાંઠા, વલસાડ અને આણંદમાં ભાજપ ઉમેદવાર બદલી રહી નથી. 


ભાજપમાં આ મામલો હોટ ટોપિક બન્યો
ગુજરાતમાં સ્થાનિક લેવલે ભારે વિવાદો વચ્ચે શિસ્તબદ્ધ પાર્ટીના નામે નેતાઓ ચૂપ છે પણ ગત રાતે એક નવો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદની નજીકની એક બેઠકના ઉમેદવારનું સીડી પ્રકરણ દિલ્હી સુધી પહોંચતાં ચર્ચા એવી છે કે નેતાજીને પ્રચાર બંધ કરી દેવાનો આદેશ કરાયો હતો. સ્થાનિક નેતાઓ જ સીડી લઈને દિલ્હી પહોંચી નેતાજીના વટાણા વેરી દેતાં દિલ્હી હાઈકમાન્ડ પણ હચમચ્યું હતું. જોકે, આ મામલે સૌએ ચૂપકીદી સાધી લીધી છે પણ ગુજરાત ભાજપમાં આ મામલો હોટ ટોપિક બન્યો છે.


ભાજપ કહે છે કે કોઈ કકળાટ નથી પણ અંદરો અંદરની ખેંચતાણ છેક સીડી પ્રકરણ સુધી પહોંચી હોવાની ચર્ચા છે. વર્ષો પહેલાં એક સીડી પ્રકરણ ગાજ્યું હતું હવે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી સીડી પ્રકરણે ભાજપના નેતાજીની ઉંઘ હરામ કરી દીધી હતી. જોકે, આ મામલે હવે નેતાજીને જીવતદાન મળી ગયું છે. 


ટાંટિયાખેંચમાં સીડી પ્રકરણ ચાલ્યું હોવાની ગુજરાતમાં ચર્ચાઓ
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કકળાટ સામે આવવા લાગ્યો છે. નેતાઓની એકબીજાની ટાંટિયાખેંચમાં સીડી પ્રકરણ ચાલ્યું હોવાની ગુજરાતમાં ચર્ચાઓ છે. નેતાજીએ થોડા દિવસ પહેલાં પ્રચાર જ બંધ કરી દીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ મામલે નેતાજી ચોખ્ખી ના પાડી રહ્યાં છે કે તેઓ ગુજરાતમાં જ છે એ દિલ્હી ગયા જ નથી, તેઓ હવે ખુલાસો કરી રહ્યાં છે કે તેઓ ચૂંટણી લડવાના છે પણ આજે 2 ઉમેદવારોએ સામેથી કરેલી જાહેરાત બાદ દિલ્હીથી હાઈકમાનના આશીર્વાદ લઈ આવ્યા હોવાની ચર્ચા પણ ગુજરાતમાં આજે દિવસભર રહી છે. 


ભાજપના સ્થાનિક નેતાઓ જ સીડી લઈને દિલ્હી પહોંચ્યા
જોકે નેતાજી જાહેરમાં કહી રહ્યાં છે કે કોઈ કંઇ પણ કહે હું અહીંથી ચૂંટણી લડવાનો છું. ભાજપના સ્થાનિક નેતાઓ જ સીડી લઈને પહોંચતાં આ મામલો ભારે ગરમાવો પકડ્યો હતો.  નેતાજીને ભાજપે રીપિટ કરતાં સ્થાનિકમાં કકળાટ શરૂ થયો હતો. એમાંયે નેતાજીની સીડી મળી આવતાં આગેવાનોએ ભવિષ્યમાં ભાજપ બદનામ ન થાય એ માટે પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી. ભાજપ પણ આ મામલે સક્રિય થયું છે. હવે આગામી દિવસોમાં નેતાજી બદલાય છે કે કેમ એ એ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ મામલે હવે વિરોધીઓને પણ ચૂપ થઈ જવાના આદેશો થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આમ જે દિલ્હી સુધી પહોંચ્યા હતા તેઓને ઝટકો લાગ્યો છે. આ ફક્ત એક જ ઉમેદવારની વાત નથી. ભાજપ પાર્ટી હવે હોળી પહેલાં લાગેલો કકળાટ ઠારવામાં લાગી ગઈ છે. 


ગુજરાતની સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને નામે જ્ઞાતિ સમીકરણો મેળ ખાઈ રહ્યાં નહોતા. ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સામે આદીવાસી સમાજના હોવાના આક્ષેપો લાગ્યા છે. સ્થાનિક નેતાઓએ જ આ વિરોધ ઉઠાવ્યો છે. કોંગ્રેસે અહીં આદીવાસી સમાજના નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. અહીં ભીખાજી ઠાકોર સામે વિવાદ વધતાં ભીખાજીએ આજે સામેથી ચૂંટમી ન લડવાની જાહેરાત કરવી પડી છે.  

સાબરકાંઠા અને વડોદરામાં તો રીતસરનું કેમ્પેઈન


બનાસકાંઠામાં પણ રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે ગેનીબેનને ઉતારતાં અહીં પણ ચર્ચાઓ ચાલી હતી કે ભાજપ ઉમેદવાર બદલી શકે છે જોકે, અહીં શંકરભાઈ ચૌધરીએ બાજી સંભાળી લીધી છે અને ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહ્યું છે. વલસાડમાં પણ ધવલ પટેલ સામે કકળાટ નવો નથી. અહીં ધવલ પટેલ સામે આયાતી ઉમેદવારનો થપ્પો લાગ્યો છે. આ મામલે રજૂઆતો પણ થઈ હોવાની ચર્ચાઓ છે. આજે પત્રિકાવોર સામે આવી છે. વડોદરાના રંજનબેન ભટ્ટના વિવાદો તો કોઈથી છૂપાયેલા નથી. ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં તો રીતસરનું કેમ્પેઈન ચલાવવું પડ્યું હતું. આમ છતાં આજે રંજનબેને જાહેરમાં આવીને ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યો છે.


પોરબંદરની માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ભાજપ લડાવી રહી છે પણ જવાહર ચાવડાની નારાજગી કોઈનાથી છૂપી નથી. આમ લોકસભાની ચૂંટણીમાં ભલે વિવાદો જાહેરમાં નથી બહાર આવ્યા પણ અંદરો અંદર બધું શાંત ન હોવાની ચર્ચાઓ છે.  હવે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આગામી દિવસોમાં કોનો વારે પડે છે એ તો સમય જ બતાવશે. આજે દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં નવા ઉમેદવારો અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. ભાજપ નવા ઉમેદવાર જાહેર કરશે. ભાજપે 5 ઉમેદવારો સામે વિરોધ બાદ ખુલાસો કરી દીધો છે કે બનાસકાંઠા, આણંદ અને વલસાડમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે....