ગાંધીનગર: રાજ્યભરમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સાથે પ્રત્યેક ગુજરાતીજન પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને આ અભિયાનને ખરા અર્થમાં જન અભિયાન બનાવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાએ તા.૧ જૂનથી જ બાંધકામ સાઇટો ઉપરના કાટમાળનાં કચરાને દૂર કરવા અને પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા ઝુંબેશ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસમાં ૨૫૫૦ મે.ટનથી વધુ બાંધકામનો નકામો કચરો-કાટમાળને દૂર કરાયો છે અને આ સામે જવાબદાર એવા ૨૪૫ લોકોને નોટિસ ફટકારી છે. ભવિષ્યમાં આવા કચરાનો ફેલાવો ન થાય તેની તકેદારી માટે પણ પગલાં લેવાયાં છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ૩૫ જેસીબી અને ૪૦ ડમ્પર્સનો ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિક કચરાને નાથવા અને જનજાગૃતી ફેલાવવા વડોદરાના રાજમાતા અને તેમની સ્વૈચ્છિક સંસ્થા ‘‘સોકલીન’નો સહયોગ મેળવી વડોદરા ખાતે પ્લાસ્ટિકના રીસાયકલીંગથી બનેલી વસ્તુઓના મેળાનું આયોજન કરવા નક્કી કરાયું છે.

દરમિયાન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડૉ.વિનોદ રાવે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા મહાનગરપાલિકા વિસ્ત્તારમાં પાતળા પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકના  તમામ પ્રકારના પાઉચ, પાણીના પાઉચ, પ્લાસ્ટિકની થેલીઓ, પાન-મસાલાને બાંધવા વપરાતા પ્લાસ્ટિક વગેરેના ઉત્પાદન, સંગ્રહ કરવા, વાપરવા તથા  વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 


આ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રયાસોથી ચાર સીમેન્ટ કંપનીઓ પ્લાસ્ટિક કચરાને બળતણ તરીકે વાપરવા તૈયાર થઇ હોવાનું જણાવાયું છે. જેમાં ગિરસોમનાથ જિલ્લામાં આવેલી અંબુજા સિમેન્ટ, અમરેલી જિલ્લાના કોવાયા અને કચ્છ જિલ્લાના સેવાગ્રામ ખાતેની અલ્ટ્રાટેક સિમેન્ટ, કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલી સાંધી સિમેન્ટ દ્વારા પ્લાસ્ટિકના કચરાને બળતણ તરીકે વાપરવા નક્કી કરાયું છે.

આ માટે સંલ્ગન શહેર કે જિલ્લા વિસ્તારમાં એક ટ્રક જેટલો પ્લાસ્ટિકનો કચરો એકઠો થશે તો આ કંપનીઓ સંલગ્ન વિસ્તારોમાંથી પોતાના ખર્ચે આ કચરો ઉપાડી સ્વચ્છતામાં સહયોગ આપશે. આ માટે કંપનીએ નિમેલા નોડલ ઓફિસરનો સંપર્ક સાધવા અથવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જિલ્લા કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે. 


દરમિયાન રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાના  જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા પંચાયત કચેરીઓ, ડીઆરડીએ, તાલુકા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પ્લાસ્ટિક ફાઇલો નહી વાપરવા નક્કી કરાયું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા કેળવવા લોકોએ કામગીરી શરૂ કરીને સ્વસ્થ સમાજના નિર્માણમાં પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા જરૂરી છે તે સંદેશો જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.