ઝી બ્યૂરો, અમદાવાદઃ પોલીસનું કામ નાગરિકોની રક્ષા કરવાનું છે. તેમને પડતી અગવડમાં તેમને સુરક્ષા પુરી પાડવાનું છે. કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો તેની સામે પગલાં લેવાનું છે. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું કામ પોલીસનું છે. પણ જો પોલીસ જ ખોટી રીતે કોઈને હેરાન કરે તો શું કરવું? ઘણીવાર એવું બનતું હોય છેકે, પોલીસ પોતાને મળેલા પાવરનો દૂરઉપયોગ કરીને લોકો પાસેની ખોટી રીતે પૈસા પડાવતા હોય છે. ક્યાંક ગાર્ડન કે રસ્તા પર બેસેલાં પ્રેમી યુગલોને ડરાવીને ઘણીવાર પોલીસ પૈસા પણ પડાવતી હોય છે. આ બધુ જ ગુજરાતમાં થાય છે અને અવારનવાર આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. પણ હવે એનો રસ્તો મળી ગયો છે. જો હવે પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો તુંરત એક નંબર પર ફોન કરજો. તરત નોંધાઈ જશે તમારી ફરિયાદ અને લેવામાં આવશે તાત્કાલિક પગલાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડાલજમાં પોલીસે કરેલાં તોડ બાદ હાઈકોર્ટે ઉધડો લીધોઃ
હાલમાં જ અમદાવાદના અડાલજ વિસ્તારમાં થયેલાં તોડકાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ સફાળુ જાગ્યું છે. આ કેસમાં પોલીસે અડધી રાત્રે ખોટી રીતે ડરાવી ધમકાવીને દંપતી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં સુઓમોટો લેતાં ગુજરાત સરકારને જવાબ આપવા કોર્ટ સમગ્ર આવવું પડ્યું. આ કેસમાં ગુજરાત સરકારે બાંહેધરી આપી કે આ પ્રકારની કોઈપણ ઘટના હવેથી બનશે નહીં. આ સાથે ગુજરાત સરકારે પોલીસ સામે ફરિયાદ કરવા માટે સ્પેશ્યિલ ટોલ ફ્રી નંબરની જાહેરાત કરી. આ ફોન સીધો ડીજીપી ઓફિસના કંટ્રોલ રૂમમાં જશે. એટલેકે, પોલીસની ગેરવર્તણૂંકની ફરિયાદ સીધી ગુજરાત પોલીસના વડા પાસે જશે.


અડધી રાત્રે પોલીસે દંપતી પાસે કર્યો હતો 60 હજાર રૂપિયાનો તોડઃ
અડાલજ પાસે પોલીસે અડધી રાત્રે દંપતી પાસેથી 60 હજારનો તોડ કરવાના કેસમાં હાઈકોર્ટે સુઓમોટો લેતાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે કાર્યવાહી કરાઈ હોવાની સરકારે સોમવારે રજૂઆત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધની ખંડપીઠ સમક્ષ સરકારે સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે,પોલીસ સામેની કોઇપણ ફરિયાદ કરવી હોય તો તેના માટે ટોલ ફ્રીની સેવા શરૂ કરી દેવાઈ છે. 


પોલીસ સામે ફરિયાદ કરવા આ નંબર પર કરો કોલઃ
પોલીસ સામેની ફરિયાદ 14449 નંબર પર કરી શકાશે. આ નંબર ડાયલ કરવાથી ડીજીપીની ઓફિસમાં અલગથી બનાવેલા કંટ્રોલ રૂમમાં ફોન લાગશે. ખંડપીઠે સરકારની કામગીરીથી સંતોષ માનીને સુઓમોટો અરજીનો નિકાલ કર્યો છે. સોગંદનામામાં રજૂઆત કરાઈ હતી કે, 14449 નંબર પર પોલીસ વિરૂદ્ધ કોઈ ફરિયાદ થશે તેને જે-તે જિલ્લાના એસપીને ઈ મેઈલ દ્વારા મોકલી દેવાયા પછી તપાસ કરાશે. સરકારે આ નંબર લોકો સુધી વધુને વધુ પહોચે તે માટે રેડિયો અને ટીવીમાં જાહેરાત કરશે. 


અડાલજ પાસે તોડ કરનાર પોલીસ કર્મચારીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ હોવાની રજૂઆત કરાઇ હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવરે પોતાની ઓળખ, નંબર દર્શાવવાના નિયમનું પણ પાલન થઈ રહ્યું છે.