ચૂંટણી પૂર્વે ગુજરાતમાં વધુ એક આંદોલનના મંડાણ, હવે કોણે ચડાવી સરકાર સામે બાયો?
નશાબંધી અને આબકારી ખાતાના તમામ કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે નીચે મુજબના કાર્યક્રમો કરવાનું નક્કી કરેલ છે.
મૌલિક ધામેચા/ગાંધીનગર: હાલમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગ્રેડ પેના મુદ્દાને લઈને આંદોલન પર બેઠેલા ગુજરાત પોલીસના જવાનોની અમુક માંગણીઓ સ્વીકારીને આંદોલન ઠાર્યું હતું. પરંતુ હાલ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ પોતાની માંગણીઓને લઈને જંગે ચઢ્યા છે.
આ તરફ ગુજરાત પોલીસના અધિકારીઓનો તો પગાર વધ્યા પરંતુ બીજી તરફ નશાબંધી અને આબકારી વિભાગની સ્થિતિ જૈસે થે વૈસે રહી છે. તેમના પગારને લઈને વિસંગતતા દુર કરવા અને કેટલીક પડતર માગણીઓ સાથે નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
કેવી ચિમકીઓ ઉચ્ચારી
તેમણે ચિમકી ઉચ્ચારી છે કે પગારની વિસંગતતા દુર નહીં થાય નહીં ત્યાં સુધી ઉદ્યોગો માટે લવાતા ઈથાઈલ આલ્કોહોલના જથ્થાના એસ્કોર્ટની કામગીરી મુલતવી કરીશું. તેના સુપરવિઝનની કામગીરીથી દૂર રહીશું. ગુજરાતની 74 વિદેશી દારુની દુકાનો પાસે કોઈ હથિયાર કે વાહન વગર અમે જીવના જોખમે જવાનું બંધ કરીશું.
આવેદન પત્રમાં સરકાર પાસે શું માગણીઓ કરી?
નશાબંધી અને આબકારી ખાતાના તમામ કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે નીચે મુજબના કાર્યક્રમો કરવાનું નક્કી કરેલ છે.
(1) પગાર વિસંગતતા દુર નાં થાય ત્યાં સુધી રાજ્યના ઉદ્યોગો માટે વપરાશમાં લેવાતા ઈથાઈલ આલ્કોહોલનો જથ્થો લાવવાના એસ્કોર્ટની કામગીરી મુલતવી રાખવાનો નિર્ણય લેવા માટે મજબુર બનીશુ
(2) ગુજરાતમાં ઈથાઈલ આલ્કોહોલ વાપરનાર ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં આપવાના થતા સુપરવિઝન, મિથાઈલ આલ્કોહોલને લગતી અતિ ગંભીર કામગીરી, મોલાસીસને લગતી કામગીરી તેમજ અન્ય સુપરવીઝને મુલતવી રાખવાનો નિર્ણય લેવા માટે મજબુર બનીશુ
(3) રાજ્યમાં ૭૪ જેટલી વિદેશી દારૂની દુકાનો ખાતે વિદેશી દારુ કોઈ હથીયાર કે વાહન વગર એસ્કોર્ટ મારફતે જાનના જોખમે લાવવાનું બંધ કરવા મજબુર બનીશું.
(4) રાજ્યની ડિસ્ટલરી ખાંડ સરી અને વિદેશી દારૂની દુકાનો ઉપર સુપરવિઝન આપવાનું બંધ કરવા મજ્બુર બનીશુ તેની સંપૂર્ણ કામગીરી મુલતવી રાખવી.
નોંધનીય છે કે, નશાબંધી અને આબકારી વિભાગમાં ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, જમાદાર, કોન્સ્ટેબલ સંવર્ગ કુલ મંજુર મહેકમ 497 જેટલી સંખ્યામાં છે. જેમાંથી 60 ટકા જેટલી જગ્યા પરના પગાર ભથ્થા અને અન્ય ખર્ચ જે તે લાયસન્સદારના ખર્ચ ભોગવે છે. એટલે કે નશાબંધી આબકારી ખાતાના કર્મચારીઓ-અધિકારીઓના પગાર, મકાનભાડા, સુપરવિઝન ચાર્જ, એસ્કોટ ચાર્જ, ટ્રાન્સપોર્ટ પરમીટ ફી, વિદેશી દારુ પર ઈમ્પોર્ટ-એકસાઈઝ ડ્યૂટી વગેરે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાય છે, જે પગાર ભથ્થાઓમાં તેનો ખર્ચ પડે છે. આ આવકમાંથી તેમના પગાર ભથ્થાનો ખર્ચો પુરો પડી જાય છે. ત્યારે કર્મચારીઓની રજૂઆત છે કે આ પ્રકારની ફીઓમાં સામાન્ય વધારો કરીને તે જ રકમમાંથી તેમને પગાર વધારો કરી આપવામાં આવે.