ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ (gujarat rain) તૂટી પડ્યો છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ખેતીની પણ નવુ જીવન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ધોધમાર વરસાદ 
લગભગ 25 દિવસ બાદ ગુજરાતમાં આવો વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. મોડી રાત્રે કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. ગઇકાલે મોડી રાત્રે પડેલા વરસાદના પગલે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો નજરે પડ્યા છે. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પાણી ફરી જતું હોય છે. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા આનંદ નગર રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


અન્ય જિલ્લાઓમાં ક્યાં ક્યાં વરસાદ 
તો વડોદરા શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. લોકો છેલ્લા 20 દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોની આશાનો અંત આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો. ક્યાંક ભારે ઝાપટા તો કયાંક હળવો વરસાદ જોવા મળ્યો. જિલ્લામાં સૌથી વધુ પોણા બે ઈંચ (૪૩મીમી) વરસાદ જાંબુઘોડામાં નોંધાયો. તો ગોધરામાં 10  મીમી, હાલોલમાં 10 મીમી, કાલોલમાં 6 મીમી, શહેરામાં 2 મીમી, મોરવા હડફમાં 13 મીમી અને ઘોઘંબામાં 7 મીમી વરસાદ નોંધાયો. જિલ્લામાં હાલ પણ વરસાદી આગમનની છડી પોકારતું વાતાવરણ જોવા મળ્યું છે. 


ખેડા નડિયાદમાં મેઘરાજાનું આગમન થયું. નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પવન અને વીજળી સાથે ધીમીધારે વરસાદ નોધાયો.