Gujarat Rains: ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડું આફત વરસાવીને આગળ પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી થઇ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના માથે હજું પણ મોટું સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વાવાઝોડાની સૌથી મોટી અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે (રવિવાર) ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ ?
આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર 
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ ગુજરાતમાં હજું વાવાઝોડાની અસર રહેશે, જેના કારણે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (સોમવાર) પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે (સોમવાર) ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 


ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડાના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે આફતરૂપી વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.