ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. રોજેરોજ નવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે જેના સરકાર તરફથી જવાબો અપાય છે. ગુરુવારે સવારે 8.30 વાગ્યે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આરંભ થયો હતો. જેમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થઈ. વિવિધ પ્રશ્નો પર ચર્ચા પણ થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર તરફથી ડેરી વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાં ઘટાડો
ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષ માં કેન્દ્ર સરકાર તરફથી ડેરી વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાં ઘટાડો નોંધાયો. રજુ કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2016 માં 20,05,89,018ની ગ્રાન્ટ ફાળવણી કરાઈ હતી. જ્યારેવર્ષ 2017 માં 12,48,58,437 કરોડ ની ફાળવણી કરાઈ. આમ કુલ 7,57,30,581 નો ઘટાડો નોંધાયો.


નિરવ મોદી, હીરા અને વિધાનસભા
નિરવ મોદીના નામનો ઉલ્લેખ કર્યા વિના એક સવાલ કરવામાં આવતા સરકારે જવાબ રજૂ કર્યો. જેમાં હીરાની લોન પર 12 વર્ષ પહેલા લોન આપવામાં આવી હોવાનો હર્ષ સંઘવીએ દાવો કર્યો. કોઈ પણ પુરાવા વિના લોન આપવામાં આવી હોવાના કારણે સરકાર કોઈ પગલા ભરશે નહીં તેમ સરકારે દ્વારા જણાવવામાં આવ્યું હતું.


કપાસ મગફળી પર પૂછાયો સવાલ
ખેડૂતોને મગફળી અને કપાસના ભાવ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતા સરકારે જણાવ્યુ કે, છેલ્લા બે વર્ષમાં ટેકાના ભાવ વધારે મળે તે માટે રાજ્ય સરકારે એકપણ દરખાસ્ત કરી નથી. પ્રશ્નોત્તરી કાળમાં સરકારે સ્વીકાર્યું કે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. હિંમતસિંહ પટેલના સવાલ પર સરકારે જવાબ આપતા જણાવ્યું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા.  એટલે સરકાર જરૂર મુજબ ટેકાના ભાવે ખેતપેદાશની ખરીદી કરે છે.


ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પ્રશ્નનો જવાબ આપતા સરકારે જણાવ્યુ કે, ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2016-17 દરમિયાન સરકારે એક પણ ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળી કે કપાસની ખરીદી કરી નથી.


નાફેડ દ્વારા ખરીદીમાં ગેરરીતિનો સવાલ કરવામાં આવ્યો
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ  જૂનાગઢ જિલ્લામાં નાફેડ દ્વારા ખરીદીમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યો હતો. જેમાં જવાબ આપવામાં સરકારે હાથ અદ્ધર કરી દીધા હતા.