અત્ર તત્ર સર્વત્ર...મહાદેવ! ગુજરાતનું એક એવું શિવ મંદિર, જ્યાં દરિયો પોતે કરે છે ભગવાન શિવનો જળાભિષેક
આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીશું જે ખુબ પ્રાચીન છે અને અહીં શિવલિંગનો અભિષેક સ્વયં દરિયો પોતે કરે છે. ગુજરાત પાસે દીવથી લગભગ 3 કિમી દૂર ફુદમ ગામમાં આ શિવમંદિર આવેલું છે.
ભારતમાં અનેક પ્રસિદ્ધ શિવ મંદિર છે જ્યાં દર્શન કરવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પહોંચે છે. શ્રાવણ મહિનો તો શંકર ભગવાનની આરાધનાનો મહિનો છે. હવે શ્રાવણ મહિનો આવશે. આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીશું જે ખુબ પ્રાચીન છે અને અહીં શિવલિંગનો અભિષેક સ્વયં દરિયો પોતે કરે છે.
ગુજરાત પાસે દીવથી લગભગ 3 કિમી દૂર ફુદમ ગામમાં આ શિવમંદિર આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે. દરિયા કિનારે આ મંદિર આવેલું છે. આ મંદિરમાં કુલ 5 જેટલા શિવલિંગ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ શિવલિંગ પર દરિયો પોતે અભિષેક જળાભિષેક કરે છે. પળેપળ સમુદ્રની લહેરો અહીં ખડકો સાથે અથડાય છે અને શિવલિંગનો અભિષેક કરે છે.
5000 વર્ષ જૂનું છે શિવલિંગ
એવી માન્યતા છે કે ગંગેશ્વર મહાદેવ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે અને તે મહાભારત કાળનું છે. એવું પણ મનાય છે કે આ શિવલિંગ પાંડવોએ વનવાસકાળ દરમિયાન બનાવ્યું હતું. આ મંદિરમાં 5 શિવલિંગ છે. સૌથી મોટું શિવલિંગ એ મોટાભાઈ યુધિષ્ઠિર, અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવાય છે. દરેક ક્ષણે સમુદ્રની લહેરો અથડાય છે અને શિવલિંગનો અભિષેક કરીને પાછી દરિયામાં સમાઈ જાય છે. દર વર્ષે શિવરાત્રી પર અહીં ભવ્ય આયોજન થાય છે. લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે આવે છે. શિવલિંગની પાસે ઉપરની બાજુ ખડક પર નાગની આકૃતિ પણ ઉપસેલી છે.
સીશોર મંદિરના નામે પણ પ્રસિદ્ધ
સમુદ્ર કાંઠે હોવાના કારણે આ મંદિરને સીશોર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. ગંગાને પોતાની જટાઓમાં ધારણ કરવાના કારણે ભગવાન શિવને ગંગેશ્વર પણ કહે છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી દર્શન કરી શકે છે.
આ મંદિરમાં ભગવાન શિવ ઉપરાંત ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીમાતાની પણ મૂર્તિઓ છે. મંદિર અને તેની આજુબાજુની સુંદરતા તમારા ચોક્કસપણે મન મોહી લેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)